પેટ્રોલ-ડીઝલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુલુદ ચોકડી પાસે સાવલી અને અમદાવાદથી આવતી ટેન્કરમાંથી ડીઝલ ચોરતાં રંગેહાથ ઝડપાયો
પોલીસે પેટ્રોલ-ડીઝલના જથ્થા સહિ‌ત ૨પ લાખનો મુદ્દામાલ સાથે ચાર શખ્સની ધરપકડ
ઝઘડિયા તાલુકામાં મુલદ ચોકડી પાસેની શેરેપંજાબ હોટલ નજીક આવેલા એ.એમ.ડબલ્યુ ગેરેજ ઉપર ટેન્કરોમાંથી પેટ્રોલ અને ડિઝલની ચોરી કરવાના ષડયંત્રનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. પોલીસે ગેરેજ સંચાલક સહિ‌ત બે ડ્રાઇવર તેમજ એક ક્લિનરની ધરપકડ કરી પેટ્રોલ-ડિઝલના ૨૪ હજાર લીટર જથ્થા સાથે કુલ ૨પ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઝઘડિયા પોલીસ મથકના સબ ઇન્સ્પેક્ટર જે. એમ. તડવીને બાતમી મળી હતી કે,મુલદ ચોકડી નજીક આવેલી શેરેપંજાબ હોટલ પાસેના એ. એમ. ડબલ્યુ ગેરેજનો સંચાલક સુમિતસિંહ દેવેન્દ્રસિંગ અથ્થી તેના ગેરેજ ઉપર આવતાં પેટ્રોલ ડિઝલ ભરેલાં ટેન્કરના ચાલકો સાથેના મેળાપીપણામાં ટેન્કરમાંથી પેટ્રોલ તેમજ ડિઝલનો જથ્થો કાઢી લઇ સગેવગે કરવાનું મસમોટું કૌભાંડ આચરે છે. જેને આધારે તેમણે સ્ટાફ સાથે સ્થળ ઉપર છાપો માર્યો હતો.
પોલીસના દરોડામાં અમદાવાદના - સાબરમતી ખાતે આવેલા આઈઓસી લિમીટેડ ખાતેથી પેટ્રોલ તેમજ ડિઝલ ભરીને સુરતના પાંડેસરા ખાતે આવેલા શકિત પેટ્રોલપંપ ખાતે પુરવઠો પહોંચાડવા માટે નીકળેલા સુરતના ડીંડોલી વિસ્તારની પ્રિયંકા ટાઉનશીપમાં રહેતાં ટેન્કર ચાલક રમેશ શંકર રામનારાયણ ગૌૈડ(મુળરહે. જાંબોલી યુપી ) તેમજ ક્લિનર રત્નાકર ભરતલાલ ગૌડ (મુળરહે.સુલતાનપુર, જિ.જોનપુર, યુપી)એ તેમના ટેન્કરનું લોક ડુપ્લિકેટ ચાવીથી ખોલી ટેન્કરમાંથી ૨,૭૦૦ની મત્તાનું પ૦ લિ. ડિઝલ કાઢી લઈ એએમડબલ્યુ.ગેરેજના સંચાલક સુમીતસિંગ અથ્થીને આપતા રંગેહાથ ઝડપી પાડયો હતો.
ઉપરાંત અન્ય એક ટેન્કર ચાલક વડોદરાના સાવલી ખાતે આવેલા આઈઓસી કંપનીમાંથી ડિઝલ ભરીને સુરતના કઠોર પાસે આવેલી વી.ડી.પટેલ એન્ડ કંપની પેટ્રોલપંપ ખાતે પહોંચાડવા નીકળ્યો હતો. રાજેશસિંગે પણ (રાજેશસિંગ આત્માસિંગ રાજપુત રહે. શીખડી તા.ભદોરી) તેના ટેન્કરનું લોક ખોલી તેમાંથી ૧,૩પ૦ની કિંમતનું ૨પ લિ. ડિઝલ કાઢી સુમીતસિંગને આપતા ઝડપાઈ ગયો હતો. પોલીસે ચારેયની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી. તેમજ સુમિતસિંગ અથ્થીની અન્ય એક ધ્રુવ મોટર્સ નામની દુકાનમાંથી કુલ ૪૨૦ લિ. ડિઝલ ભરેલા બે પીપડા તેમજ ૩પ-૩પ લિ.ના બે કારબા તથા પેટ્રોલ ભરેલો ૩પ લિટરનો એક કારબો જપ્ત કર્યો હતો.