ઝઘડિયાનાં શ્રદ્ધાળુઓની બસને ઉનાઇ નજીક નડ્યો અકસ્માત, એકનું મોત

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક મહિ‌લાનું મોત : ૧પ મુસાફરોને ઇજા

ઝઘડિયા, સેલોદ અને ફુલવાડી ગામનાં લોકો લકઝરી બસમાં શિરડી જઇ રહ્યા હતા : ઉનાઇ નજીક ચઢાવ ગામે ઓવરટેક કરતી વેળા ટ્રક સાથે અકસ્માત સર્જા‍તા એક બાળકનો હાથ કપાયો

ઝઘડિયા તાલુકાનાં ઝઘડિયા, સેલોદ અને ફુલવાડી ગામેથી પ૦ થી વધુ શ્રદ્ધાળુઓને લઇ નાસિક, ત્રંબકેશ્વર અને શિરડી જઇ રહેલી લકઝરી બસનાં ડ્રાઇવરે બુધવારે મધરાતે ઉનાઇ નજીકનાં ચઢાવ ગામ નજીક પાછળથી આવતી ટ્રકે ઓવરટેક કરવા જતા ટક્કર વાગતા એક મહિ‌લાનું મોત થયું હતું. એક બાળકનો હાથ કપાઇ જવા સાથે ૧પ થી વધુ શ્રદ્ધાળુઓને ઇજાઓ પહોંચતા મધરાતે બુમરાણ મચી ગઇ હતી.

ઝઘડિયા તાલુકામાંથી એક ખાનગી ટ્રાવેલ્સ દ્વારા શિરડી, નાસિક અને ત્રંબકેશ્વરનું આયોજન કરવામાં આવ્યું હતું. બુધવારે રાતે ૧૦ કલાકે સેલોદ, ફુલવાડી અને ઝઘડિયા ગામનાં પ૦ થી વધુ શ્રદ્ધાળુઓને લઇ લકઝરી બસ નાસિક જવા રવાના થઇ હતી. રાતે ૩.૧પ કલાકે લકઝરી બસ ઉનઇ નજીકનાં ચઢાવ ગામથી પસાર થઇ રહી હતી. જે વેળા પાછળથી આવતી ટ્રકનાં ચાલકે પુરઝડપે ઓવરટેક કરવા જતા લકઝરી બસનાં પાછળનાં ભાગે જોરદાર ટક્કર લાગતા બસમાં સવાર શ્રદ્ધાળુઓમાં બુમરાણ મચી ગઇ હતી.

અકસ્માતનાં કારણે બસની પાછળની સીટ ઉપર બેસેલા મુસાફરો પૈકી ફુલવાડી ગામનાં પ૦ વર્ષીય મીનાબેન ગણપતભાઇ પટેલને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જયારે ઝઘડિયા ગામનાં યુવાન નિરવ ઇશ્વર વસાવાનો હાથ કપાઇ ગયો હતો. અન્ય ૧પ થી વધુ મુસાફરોને ઇજાઓ પહોંચતા તેમને સુરતની મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં મીનાબેન પટેલનું મોત નીપજયું હતું. ઝઘડિયાનાં શ્રદ્ધાળુઓને ઉનઇ નજીક નડેલા અકસ્માતમાં એક મહિ‌લાનાં મોતથી પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

ગુરુવારે તમામ ઇજાગ્રસ્તોને સારવાર કરી રજા આપી દેવામાં આવી હતી. અકસ્માત સંદર્ભે વાંસદા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોસઇ એચ.એમ.ગામીતે અકસ્માત સર્જી ફરાર થઇ ગયેલા ટ્રક ચાલકની શોધખોળ આરંભી છે.