• Gujarati News
  • Notice Fee Rs 10 Charge To 55 Thousand Property Holder

પપ,૦૦૦ મિલકતધારકોને પાલિકાની ૧૦ નોટિસ ફી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા મિલકત વેરાની નોટિસ આપવા અંગે ૧૦ રૂપિયા વસૂલ કરાતાં લોકોમાં રોષ
૧પ દિવસમાં મિલકતવેરો નહી ભરનાર ધારકોનાં પાણીના જોડાણ કાપી નાખવાની સાથે મિલકત સીલ કરાશે
ભરૂચ શહેર વિસ્તારમાં આવેલી કુલ પપ હજાર કોમર્શિ‌યલ અને રહેણાંક મિલકતોના ધારકો પાસેથી મિલકત વેરાની નોટિસ બજાવણી અંગે ૧૦ રૂપિયા ''નોટિસ ફી’’ પાલિકા સત્તાધિશો દ્વારા વસૂલ કરવામાં આવતા શહેરના રહેવાસીઓ તેમજ વેપારીઓમાં ભારે રોષ ફેલાઇ ગયો છે.
૧૭.૩પ ચોરસ કિમીનો વિસ્તાર વ્યાપ ધરાવતાં ભરૂચ શહેરમાં ચતુર્વર્ષી‍ય આકારણીમાં આઠ હજાર મિલકતોનો ઉમેરો થયા બાદ પાલિકા સત્તાધીશોએ કુલ પપ હજાર મિલકતધારકોને મિલકતવેરાના માંગણા બાબતે પ્રાથમિક બિલો મોકલ્યાં હતાં જે પૈકી જાન્યુઆરીના અંત સુધીમાં ૧૪ હજાર મિલકતધારકોએ વેરો ભરપાઇ કર્યો નહિ‌ હોવાથી તેમને આજથી આખરી નોટિસ પાઠવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આગામી ૧પ દિવસમાં મિલકતવેરો નહિ‌ ભરનારા ધારકોના પાણી જોડાણ કાપી નાંખવાની તેમજ મિલકતો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ પાલિકા સત્તાધીશોએ જણાવ્યું હતું.
ભરૂચ શહેરમાં આવેલી ૪૭ હજાર જેટલી રહેણાંક અને કોમર્શિ‌યલ મિલકતો પૈકી કેટલીક મિલકતોનો હાઉસટેકસ વસૂલ કરવામાં આવતો નહિ‌ હોવાની ફરિયાદો નગરપાલિકાની કારોબારી સમિતિની મિટિંગમાં સભ્યોએ કરી હતી. હાઉસટેકસ વિભાગના કેટલાક કર્મચારીઓ જ ગેરરીતિ આચરતા હોવાની ગંભીર ફરિયાદો કારોબારી સમિતિના સભ્યોએ કરી હતી. પાલિકા સત્તાધીશોએ તલસ્પર્શી‍ તપાસ હાથ ધરતાં વર્ષોથી મિલકતવેરો નહિ‌ ભરનારા હજારો મિલકતધારકો મળી આવતાં તમામ પાસેથી વેરો વસૂલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
શહેરમાં આવેલી તમામ રહેણાક અને કોમર્શિ‌યલ મિલકતોની પુન: આકારણી કરાવવાનો નિર્ણય નગરપાલિકાના સત્તાધિશોએ લીધો હતો. જેમાં છેલ્લા ૬-૮ મહિ‌નાથી પાલિકાની કર્મચારીઓની ટુકડીઓએ ડોર ટુ ડોર સર્વે, આકારણીની કવાયત હાથ ધરી હતી. તાજેતરમાં જ આકારણીની કાર્યવાહી પુરી થતાં ગત વર્ષે શહેરમાં ૪૭ હજાર મિલકતો હતી જેમાં ૮ હજાર મિલકતોનો ઉમેરો થતાં રહેણાક અને કોમર્શિ‌યલ મળી કુલ મિલકતોની સંખ્યા પપ હજાર ઉપર પહોંચી હોવાનું સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું.
૮ હજાર મિલકતોનો ઉમેરો થતા ભરૂચ નગરપાલિકાને અત્યાર સુધી હાઉસટેકસ, સફાઈવેરો, લાઈટવેરો મળીને ૮ કરોડ રૂપિયાની આવક થતી હતી તેમાં અંદાજે વધુ ૪ કરોડ રૂપિયાનો ઉમેરો થવાની સંભાવના ઉભી થઈ છે. આ વધારાના ૪ કરોડ રૂપિયા શહેરના વિવિધ વિકાસ કામો માટે ખર્ચવામાં આવશે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.
જો કે શહેરમાં આવેલી પપ હજાર મિલકતોના ધારકોને વેરા માંગણીના પ્રથમ બીલ એટલે કે નોટિસમાં નોટિસ ફી પેટે ૧૦ રૂપિયા ચુકવવાનો પણ ઉલ્લેખ કરવામાં આવતા તે અંગે પુછતા પાલિકા શાસકો તેમજ સત્તાધિશોએ કોઇપણ પ્રકારનો સંતોષકારક જવાબ આપ્યો ન હતો. બીજી તરફ નોટિસ ફી ઉઘરાવવાના નગરપાલિકાના નિર્ણય સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
નોટિસ ફી નિયમો મુજબ લેવાય છે
મિલકત વેરો ભરવાની જવાબદારી મિલકત ધારકની છે નગરપાલિકા જ્યારે મિલકતધારકને નોટિસ પાઠવે છે તે વધારાની જવાબદારી સ્વરૂપે પાઠવે છે. ભરૂચ નગરપાલિકા દ્વારા મિલકતવેરાના બિલો સાથે ૧૦ રૂપિયા નોટિસ ફી લેવામાં આવે છે તે નિયમ અનુસાર જ લેવાય છે. કાયદા વિરૂદ્ધનું કોઇ કૃત્ય પાલિકા દ્વારા કરવામાં આવતું નથી.
સંજય સોની, ચીફ ઓફિસર, ભરૂચ નગરપાલિકા
નોટિસ ફી ઉઘરાવવાનું કૃત્ય પ્રજાવિરોધી
રાજ્યમાં કોઇ નગરપાલિકા કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિલકત વેરા માંગણાની બીલ નોટિસ સાથે નોટિસ ફી ઉઘરાવવામાં આવતી નથી. ભરૂચ નગરપાલિકા દ્વારા વેરા બીલની પ્રથમ નોટિસમાં જ ૧૦ રૂપિયા વસૂલ કરવાનો જે અભિગમ અપનાવ્યો છે તે પ્રજા વિરોધી છે. પાલિકા શાસકો અને સત્તાધીશોએ આ નોટિસથી ઉઘરાવવાનું તાત્કાલિક બંધ કરવું જોઇએ.
સલીમ અમદાવાદી, વિપક્ષ નેતા, ભરૂચ નગરપાલિકા