(ભરૂચના ઇદગાહ ખાતે મુસિ્લમ બિરાદરોએ વિશેષ નમાઝ અદા કરી હતી. )
બકરી ઇદ પર્વની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરાઇ
ઇદગાહ મેદાનો તથા મસ્જિદોમાં નમાઝ માટે ખાસ વ્યવસ્થા કરાઇ
ભરૂચ -નર્મદા જિલ્લામાં મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી
ભરૂચ / અંકલેશ્વર / રાજપીપળા: ભરૂચ અને નર્મદા જિલ્લામાં મુસ્લિમ બિરાદરોએ કુરબાનીના પર્વ બકરીઇદની ઉજવણીના ભાગરૂપે ઇદગાહ ખાતે વિશેષ નમાઝ અદા કરી હતી. બકરીઇદના પર્વની શાંતિપૂર્ણ રીતે ઉજવણી થાય તે માટે જિલ્લાભરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બિરાદરોએ એકબીજાને ગળે લાગી ત્યાગ અને બલિદાનના પર્વ ઇદ ઉલ દુહાની શુભેચ્છા પાઠવી હતી. અનેકતામાં એકતા ધરાવતાં ભારત દેશમાં વિવિધ સંપ્રદાયના લોકો તેમના તહેવારોની પરંપરાગત રીતે ઉજવણી કરે છે. મુસ્લિમ સમુદાયના પરંપરાગત પર્વ બકરીઇદની દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભરૂચ અને નર્મદા જિલ્લામાં રહેતાં 4 લાખ કરતાં વધારે મુસ્લિમ બિરાદરોએ કુરબાનીના પર્વને મનાવ્યું હતું. ભરૂચ શહેરના બંબાખાના વિસ્તારમાં આવેલાં ઇદગાહ મેદાન ખાતે મુસ્લિમ બિરાદરોએ વિશેષ નમાઝ અદા કરી હતી. શહેરની અન્ય મસ્જિદો ખાતે પણ બકરીઇદ નિમિત્તે વિશેષ નમાઝનું આયોજન કરાયું હતું. અલ્લાહતાલાની બંદગી માટે એકત્ર થયેલાં બિરાદરોએ એકમેકને ગળે લાગીને ઇદના પર્વની શુભેચ્છા પાઠવી હતી.
ત્યાગ અને બલિદાનના પર્વને અનુલક્ષી બંને જિલ્લામાં વસતા મુસ્લિમ બિરાદરોએ બકરીની કુરબાની આપી હતી. વહેલી સવારથી સ્થાનિક ઇદગાહ અને મસ્જિદોમાં ઇદની નમાઝ અદા કરવાની શરૂઆત થઇ ચુકી હતી. નમાઝ અદા કર્યાં બાદ કુરબાનીની વિધિ પૂર્ણ કરીી હતી. બિરાદરોએ એકબીજાને ગળે મળીને ઇદ ઉલ દુહા પર્વની શુભેચ્છા પાઠવી હતી. પાલેજ, નબીપુર, કંથારીયા, ટંકારીયા, વલણ, અંકલેશ્વર, હાંસોટ, વાગરા, આમોદ, જંબુસર, ઝઘડિયા, વાલિયા, નેત્રંગ, દેડિયાપાડા, સાગબારા, સેલંબા, રાજપીપળા સહિતના નગરોમાં પણ ઇદ ઉલ દુહાની ઉજવણી કરવામાં આવી હતી. ઇદના તહેવારે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.