પ્રેમિકાની હત્યા બાદ પ્રેમીનો આપઘાત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ઊંઘની ગોળીઓ ગળીને આપઘાત કરનાર યુવાનના મિત્રની તપાસમાં ભેદ ખુલ્યો
- યુવાનના સંબંધીઓ દ્વારા યુવાનની નિર્મમ હત્યા કરી હોવાના આક્ષેપો કર્યા હતાં

રેલવે ટ્રેક ઉપરથી ભરૂચની તરૂણની મળેલી લાશ સંદર્ભે હત્યાના થયેલા આક્ષેપોની તલસ્પર્શી‍ તપાસમાં પ્રેમ પ્રકરણની મર્ડર મિસ્ટ્રીનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. યુવાને આત્મહત્યા કરતા પહેલા પોતાની પ્રેમિકાને ઝઘડિયાના કડિયા ડુંગરના વેરાન સ્થળે લઈ જઈ વાયરથી ગળુ દબાવીને ઠંડે કલેજે હત્યા કરી હોવાનો રહસ્ય સ્ફોટ પોલીસે કરતા ભારે ચકચાર મચી ગઈ છે.

ભરૂચ જિલ્લા એલ.સી.બી.એ મૃત યુવાનના મિત્રની કરેલી હત્યાની ઘનષ્ટિ પૂછપરછમાં તરૂણીના અપહરણ અને હત્યાનો ખુલાસો થયો હતો. અપહરણ અને હત્યાના ગુનામાં સહકાર આપવા બદલ મૃતક યુવાનના મિત્રની પોલીસે ધરપકડ કરી ઝઘડિયાના કડિયા ડુંગરના વેરાન સ્થળેથી તરૂણીના કપડા, ચંપલ તેમજ શરીરના અવયવો કબજે લીધા હતાં.

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિ‌તી અનુસાર અંકલેશ્વર પીરામણ નાકા પાસે રેલવે ટ્રેક ઉપરથી ગત ૨૩મી એપ્રિલના રોજ ભરૂચ શહેરના વૈકુંઠ બંગ્લોઝ ખાતે રહેતા રજનીકાંત પટેલના પુત્ર જયનો મૃતદેહ મળી આવ્યો હતો.પ્રાથમિક તપાસમાં જયની હત્યા કરવામાં આવી હોવાની પરિવારજનોએ આશંકા વ્યકત કરી હતી. જેના પગલે જિલ્લા પોલીસવડા ગૌતમ પરમારે ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાંચને સમગ્ર પ્રકરણની ઝીણવટભરી તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. એલસીબીના ઈન્સ્પેકટર ડી.ડી.સોઢા તેમજ સબ ઈન્સ્પેકટર ડી.બી.બારડ સહિ‌તના સ્ટાફે તલસ્પર્શી‍ તપાસ હાથ ધરતા મૃતક જયને ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી સંસ્કાર બંગ્લોસ સોસાયટીમાં રહેતા દીપક દરજીની પુત્રી નેન્શી ઉર્ફે હની સાથે પ્રેમ સંબંધ બંધાયો હોવાનું માલુમ પડયું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરતા ઝઘડિયાના ભોજપુર ગામે રહેતો જયનો મિત્ર નિલેશ વસાવા તેમના શંકાના દાયરામાં આવ્યો હતો. પોલીસે નિલેશ વસાવાની શંકાના આધારે ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા તે પોલીસ સમક્ષ ભાંગી પડયો હતો.

તેણે કબુલ કર્યું હતું કે, જય અને નેન્શી વચ્ચે પ્રેમ પ્રકરણ ચાલુ હતું. જો કે છેલ્લા કેટલાક સમયથી જયને શંકા હતી કે નેન્શીને અન્ય કોઈ યુવાન સાથે સંબંધ છે જેના કારણે તે માનસિક રીતે પડી ભાંગ્યો હતો. તેણે નેન્શીની હત્યા કરવાનો કારસો ઘડયો હતો. જેના ભાગરૂપે જય અને નિલેશ વસાવાએ પહેલા ઝઘડિયાના કડિયા ડુંગર વિસ્તારમાં કોઈ અવાવરૂ જગ્યા શોધી હતી. જયાં તેઓ નેન્શીનો કાંટો કાઢી શકે જે બાદ જયે નેન્શીને કોઈ બહાને બોલાવી લઈ ત્રણેય ઝઘડિયાના કડિયા ડુંગરના નક્કી કરેલા સ્થળે પહોંચ્યા હતાં જયાં જયે ઈલેકટ્રીક વાયર વડે નેન્શીનું ગળુ દબાવી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જયારે જયે પોતે પણ આપઘાત કરવાના ઈરાદે ઊંઘની ૧પ થી ૧૭ ગોળી ખાઈ લીધી હતી.જો કે તેને અસર નહિ‌ થતાં તેણે અંકલેશ્વર પહોંચી ટ્રેન નીચે પડતું મુકયું હતું. પોલીસે નિલેશ વસાવા સામે નેન્શીની હત્યામાં મદદગારી કરવા બદલ ગુનોનોંધી કાર્યવાહી હાથ ધરી છે.

મિત્રના બેસણામાં નહિ‌ આવતા નીલેશ પર શંકા ગઈ

જયનો મૃતદેહ રેલવે ટ્રેક પરથી મળી આવ્યા બાદ તેના પરિવારજનોએ તેની હત્યા થઈ હોવાની આશંકા વ્યકત કરતા એલસીબીએ ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. પરિવારજનોની પૂછપરછ દરમિયાન જયના પરિવારજનોએ જણાવ્યું હતું કે, ઝઘડિયાના ભોજપુર ખાતે રહેતો નિલેશ વસાવા જયનો ખાસ મિત્ર હોવા છતાં તે જયના ગુમ થયા બાદ કે તેના બેસણામાં પણ આવ્યો ન હતો. જે શંકા ઉપજાવતા પોલીસે તેની પૂછપરછ હાથ ધરતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો.