• Gujarati News
  • Main Police Custody Creating Work Is Stop In Netrang

નેત્રંગમાં મુખ્ય પોલીસ મથક બનાવવાની કામગીરી ખોરંભે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાલિયા તાલુકાના નેત્રંગના આઉટપોસ્ટને મુખ્ય પોલીસમથકમાં પરિવર્તિ‌ત કરવા માટે ત્રણ વર્ષ અગાઉ મંજૂરી આપી દેવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઇ કાર્યવાહી નહિ‌ થતાં રાજયના કાયદા મંત્રી તથા ભરૂચ જિલ્લાના પ્રભારીમંત્રીને રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે આવેલાં નેત્રંગને સંવેદનશીલ નગર તરીકે ગણવામાં આવે છે પરંતુ અહીં માત્ર એક આઉટ પોસ્ટ કાર્યરત છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ નેત્રંગને તાલુકા બનાવવાની જાહેરાત કરી છે ત્યારે આગામી દિવસોમાં વાલિયા તેમજ ઝઘડિયા તાલુકાના મળી ૭૬ ગામડાઓનો નેત્રંગ તાલુકામાં સમાવેશ થાય તેવી શકયતા રહેલી છે. મહારાષ્ટ્રની સરહદે આવેલું હોવાને કારણે નેત્રંગ તથા આસપાસના વિસ્તારમાં દેશી-વિદેશી દારૂની હેરાફેરી સહિ‌તની ગેરકાયદે પ્રવૃતિઓ થઇ રહી છે ત્યારે નેત્રંગમાં મુખ્ય પોલીસ મથક હોવું જરૂરી છે.

વાલિયા તાલુકા પંચાયતના સભ્ય મુકેશ શાહે ભૂતપૂર્વ ગૃહમંત્રી અમિત શાહને રજૂઆત કરતાં નેત્રંગ આઉટપોસ્ટને મુખ્ય પોલીસમથકમાં ફેરવી નાખવા મંજૂરી આપવામાં આવી હતી. નેત્રંગ સામૂહિ‌ક આરોગ્ય કેન્દ્ર નજીક આવેલી એક એકર જમીનમાં પોલીસ મથક બનાવવાનું નક્કી પણ કરવામાં આવ્યું છે પરંતુ આજદિન સુધી કાર્યવાહી નહિ‌ થતાં કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે તે માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી છે.

પ્રભારીમંત્રીને રજૂઆત કરી છે

નેત્રંગ આઉટપોસ્ટમાંથી મુખ્ય પોલીસમથક બનાવવા માટે ત્રણ વર્ષથી મંજૂરી મળી હોવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. નેત્રંગમાં મુખ્ય પોલીસ મથક બનાવવા માટે જિલ્લાના પ્રભારીમંત્રીને રજૂઆત કરી છે. - મુકેશ શાહ, સભ્ય, વાલિયા તાલુકા પંચાયત

આઉટપોસ્ટમાં માત્ર ૮ કર્મચારીઓ

નેત્રંગ આઉટપોસ્ટમાં ૪૧ ગામોનો સમાવેશ થવા જાય છે પરંતુ આઉટપોસ્ટમાં એક પોસઇ, બે જમાદાર અને બે કોન્સ્ટેબલ સહિ‌ત આઠ પોલીસકર્મી‍ઓ ફરજ બજાવે છે. ઓછા પોલીસ સ્ટાફને કારણે ગુનેગારોને મોકળું મેદાન મળી જતું હોવાની ફરિયાદ પણ નગરજનો કરી રહ્યા છે.