ભરૂચ-નર્મદામાં જન્માષ્ટમી પર્વે ભકતો નંદઘેલા બન્યાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( તસવીર - ભરૂચ અને નર્મદા જિલ્લામાં જન્માષ્ટમીની ભકિતભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી)

ભરૂચ-નર્મદામાં જન્માષ્ટમી પર્વે ભકતો નંદઘેલા બન્યાં
સોસાયટીઓ તથા શેરીઓમાં યુવક મંડળો દ્વારા મટકીફોડના કાર્યક્રમો યોજાયાં
મહાપ્રભુજીની બેઠકો તેમજ મંદિરોમાં માખણ તથા પંજરીની પ્રસાદીનું કરાયેલું વિતરણ


ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા: ભગવાન શ્રીકૃષ્ણના જન્મપર્વ જન્માષ્ટમીની ભરૂચ અને નર્મદા જિલ્લામાં હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી. રાત્રે ૧૨ના ટકોરે બાળગોપાળના આગમનને જિલ્લાવાસીઓએ નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલકીના નાદ સાથે વધાવી લીધું હતું. બંને જિલ્લામાં વિવિધ સ્થળોએ મટકીફોડના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતાં વાતાવરણ નંદઘેલું બન્યું હતું. મંદિરોમાં માખણ તથા પંજરીની પ્રસાદીનું પણ વિતરણ કરાયું હતું.ભરૂચ અને નર્મદા જિલ્લામાં જન્માષ્ટમી પર્વની ઉજવણી નિમિત્તે વાતાવરણ ભકિતરસથી તરબોળ બની ગયું હતું. જન્માષ્ટમીની સવારથી બાળગોપાળના આગમનને વઘાવવા માટે જિલ્લાવાસીઓ સજજ બની ગયાં હતાં. ભગવાનના જન્મના વધામણા કરવા માટે લોકોએ તેમના મકાનોને કેળના પાનથી સજાવી દીધાં હતાં.

બંને જિલ્લામાં આવેલાં કૃષ્ણ મંદિરોને કલાત્મક રીતે શણગારી દેવાયા હતાં અને સવારથી ભજન મંડળીઓએ ભજનોની રમઝટ બોલાવી હતી. રાત્રિના ૧૨ના ટકોરે મંદિરોમાં બાળગોપાળના આગમન ટાણે મંદિરો નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલકીના નાદથી ગુંજી ઉઠયાં હતાં. જય રણછોડ માખણચોરના નારાઓએ જન્માષ્ટમી પર્વની ઉજવણીમાં વધારો કર્યો હતો.ભરૂચ શહેરના શકિતનાથ મહાદેવ મંદિર, શ્રીજી મંદિર, આચાર્યજી મહાપ્રભુજીની બેઠક, ર્ગોવધનનાથજીની હવેલી સહિ‌તના મંદિરોમાં કૃષ્ણ જન્મમહોત્સવની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી.

વિવિધ સોસાયટીઓ તેમજ શેરીઓમાં મટકીફોડના કાર્યક્રમ યોજવામાં આવ્યાં હતાં. અંકલેશ્વરના રાધાવલ્લભ મંદિર, માર્કડેશ્વર મંદિર, ર્ગોવધનનાથજીની હવેલી, રામકુંડ મંદિર સહિ‌તના દેવાલયોમાં બાળગોપાળના દર્શન માટે ભકતોની ભીડ ઉમટી હતી. રાજપીપળાના રાધાકૃષ્ણ મંદિર, રણછોડજી મંદિર સહિ‌તના મંદિરોમાં કૃષ્ણ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આમોદ, જંબુસર, હાંસોટ, ઝઘડિયા, વાલિયા, નેત્રંગ, દેડિયાપાડા, સાગબારા, તિલકવાડા, કેવડીયા, સેલંબા, વાગરા સહિ‌તના નગરોમાં પણ જન્માષ્ટમી પર્વ ધામધૂમથી ઉજવવામાં આવ્યું હતું.