બાલોટા પંચાયતની જમીનમાં ગેરકાયદે ખોદકામ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- બાલોટા પંચાયતની જમીનમાં ગેરકાયદે ખોદકામ
- આ બાબતે યોગ્ય કાર્યવાહી નહીં કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી


હાંસોટ તાલુકાના બાલોટા ગામે આવેલી ગ્રામ પંચાયત હસ્તકની ખરાબાની જમીન ગેરકાયદે રીતે મતસ્યઉદ્યોગ સંચાલકોને ફાળવી દીધી હોવાની ફરિયાદ પંચાયતના સભ્યએ કલેકટર તથા મામલતદારને કરી છે.બાલોટા ગ્રામ પંચાયતના સભ્ય રમેશ પટેલના જણાવ્યાં અનુસાર, બાલોટા ગામની સીમમાં ગ્રામ પંચાયતની માલિકીની સર્વે નંબર ૧૦૪૩ની ૩પ૧ હેકટર જમીન આવેલી છે. ગ્રામ પંચાયત તરફથી ૧૪૧ હેકટર જમીન મીઠા ઉદ્યોગ માટે આપવામાં આવી છે. જયારે ૨૧૦ હેકટર જમીન વણવપરાયેલી પડી છે. ગ્રામ પંચાયતની માલિકીની જમીનમાં તળાવો તથા પાળા બનાવવાની હિ‌લચાલ કરતાં ગ્રામ પંચાયતના સભ્યો ચોંકી ઉઠયાં હતાં.

ગ્રામ પંચાયતના સરપંચે કોઇ પણ જાતના ઠરાવ કે સંલગ્ન અધિકારીઓની પરવાનગી વિના પંચાયત હસ્તકની જમીન મતસ્ય ઉદ્યોગ માટે ફાળવી દીધી છે. આ જમીનમાં છેલ્લા ઘણા દિવસોથી ગેરકાયદે તળાવો બનાવવાની કામગીરી ચાલી રહી છે. ગ્રામ પંચાયતની બેઠક તેમજ ગ્રામસભામાં જમીન ફાળવણી અંગે કોઇ પરવાનગી લેવામાં નહિ‌ આવી હોવાનો આક્ષેપ પણ ગ્રામ પંચાયતના સભ્યએ કર્યો છે. પંચાયતી જમીનમાં ચાલતી પ્રવૃતિ બાબતે કલેકટર મામલતદારને જાણ કરી છે. આ બાબતે નકકર કાર્યવાહી કરવામાં નહિ‌ આવે તો ઉગ્ર આંદોલન કરશે તેમ પણ જણાવવામાં આવ્યું છે.

પંચાયતની ગત બોડીએ પરવાનગી આપી હતી
બાલોટા ગામની સીમમાં મતસ્ય ઉદ્યોગ માટે તળાવ વર્ષ ૨૦૧૦-૧૧માં ખોદવામાં આવ્યાં હતાં. તળાવ ખોદવાની પરવાનગી પંચાયતની ગત બોડીએ આપી હતી. અમારી બોડીએ આ માટે કોઇ પરવાનગી આપી નથી અને અમે આ બાબતે કશું જાણતા નથી. - જયનાબેન પટેલ, ડેપ્યુટી સરપંચ, બાલોટા

પગલાં નહિ‌ ભરાય તો આંદોલન કરીશું
બાલોટા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તથા અન્ય લોકોએ ગામના વિકાસના નામે તળાવ ખોદવાની મંજૂરી આપી છે પણ મંજૂરી આપવા બાબતે સંલગ્ન અધિકારીઓની પરવાનગી લીધી નથી. આ બાબતે નકકર કાર્યવાહી નહિ‌ થાય તો ગામલોકો આંદોલન કરશે. - રમેશ પટેલ, સભ્ય, ગ્રામ પંચાયત