તું મને ગમતી નથી કહી પત્નીને ઘરમાંથી બહાર કાઢી મૂકતો પતિ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝઘડિયા તાલુકાના નવા માલજીપુરા ગામમાં બનેલી ઘટના
ઝઘડિયા તાલુકાના નવા માલજીપુરા ગામે રહેતાં શખ્સે બીજા લગ્ન કરવા માટે તેની પત્નીને તું મને ગમતી નથી તેમ કહી ઢોર માર મારી ઘરમાંથી કાઢી મુકી હતી. ગંભીર રીતે ઘવાયેલી મહિ‌લાને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાઇ હતી.
નવા માલજીપુરા ગામે રહેતાં સુરેશ શનીયા વસાવાના લગ્ન ૧પ વર્ષ પહેલાં કુકરવાડા ગામની મીરા સાથે થયાં હતાં. દાંપત્ય જીવન દરમિયાન તેમને ત્રણ સંતાનોનું સુખ પ્રાપ્ત થયું હતું. ગત ૨૮મી મેના રોજ મીરાના સંબંધીને ત્યાં લગ્ન હોઇ તેઓ ત્યાં ગયાં હતાં. જોકે થોડા સમય બાદ સુરેશ ત્યાંથી જતો રહ્યો હતો. જાનૈયાઓ આવી પહોંચતાં મીરાએ તેનો ટેલિફોનિક સંપર્ક સાધી બોલાવવા છતાં તે સમયસર લગ્ન પ્રસંગમાં હાજર થયો ન હતો.
આખરે લગ્ન વિધિ પૂર્ણ થયા બાદ મીરાએ ઘરે પહોંચ્યા બાદ સુરેશને ઠપકો આપવા જતાં સુરેશે તેને તું મને ગમતી નથી, તું જાડી થઇ ગઇ હોઇ તારાથી ખેતીકામ પણ થતું નથી તેમ કહી તેની સાથે ઝઘડો કર્યો હતો. ઉશ્કેરાયેલાં સુરેશે તેની પત્ની મીરાને લાકડીના સપાટા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્ત મીરાને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.