પ્રાચીન મોલ: હાટ બજારમાં હોળી પર્વ નિમિત્તે ધુમ ખરીદી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેડિયાપાડા હાટબજાર પંથકના આદિવાસી સમાજ માટે તહેવારો ટાણે મોલની ગરજ સારી રહ્યું છે
દેડિયાપાડા તાલુકા મથકે ભરાતું હાટ બજાર આદિવાસીઓ માટે આશિર્વાદરૂપ સાબિત થાય છે. હોળી પર્વની આડે માત્ર ચાર દિવસે રહેતા ગુરુવારે પંથકના લોકો આખરી ખરીદી માટે ઉમટી પડયા હતા. દિવસભર લોકોએ ધુમ ખરીદી કરી હતી. માનવ મેદની ગજુગજુ થતા ભારે ખરીદીના પગલે વેપારીઓ પણ ગેલમાં આવી ગયા હતાં.
આદિવાસી વિસ્તારના લોકો હોળી પર્વ શિવરાત્રીથી લઇ ફાગણ વદ-પ સુધી ઉજવણી બાધા આખડી સાથે પવિત્રતાપૂર્વક મનાવતા હોય છે. સમગ્ર પંથકમાં પવિત્ર વાતાવરણનું નિર્માણ કરી તમામ કામોને બાજુએ રાખી હર્ષોઉલ્લાસથી પર્વની ઉજવણી ભાઇચાર સાથે કરતા હોય છે. આદિવાસીઓના માનીતા પર્વ હોળીને ઉજવવા અનેરો ઉન્માદ હોય ખરીદીમાં પણ કોઇ કયાસ જોવા મળતી નથી.તાલુકા મથકે ભરાતું આ ગુરુવારીનું હાટ બજાર ખરીદી માટેનું ઉત્તમ માધ્યમ બની રહ્યું છે. આજે હોળી પૂર્વનું આખરી હાટ બજાર હોવાથી ખરીદી અર્થે ગ્રામીણ વિસ્તારોમાંથી કિડીયારૂ ઉભરાઇ પડયું હતું.
કિડિયારૂ ઉભરાતા માર્ગો ઉપર મોટા મેળા જેવા દ્રશ્યો ખડા થયાં હતાં. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ કપડા, ખજુર, કોપરા, હારડા, ધાણી, ચણા, ગોળ, શાકભાજી સહિ‌ત ઘર વપરાશની સામગ્રીની ખરીદી લોકોએ કરી હતી. હોળી પર્વના હાટ બજારને લઇ ચોરી કે કોઇ અન્ય બનાવ ન બને તે માટે દેડિયાપાડાના પીએસઆઇ ડી.વી. પ્રસાદે હાટ બજાર ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
માદરે વતનામાં પર્વની કરાતી ઉજવણી
આદિવાસી પંથકના લોકો મુખ્યત્વે ચોમાસુ ખેતી ઉપર જીવતા હોય છે. ચોમાસું પાકની લણણી બાદ હોળી ઉજવવા માટે શહેરી વિસ્તારમાં મજુરી અર્થે જતા હોય છે. હોળી એ માનીતું પર્વ હોય બહાર ગામ ગયેલા લોકો પરત પોતાના માદરે વતન આવી પર્વનો આનંદ માણે છે.