આજે લખીગામના લેન્ડ લૂઝર્સના GCPTCL સામે પ્રતિક ઉપવાસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે લખીગામના લેન્ડ લૂઝર્સના GCPTCL સામે પ્રતિક ઉપવાસ
આસપાસના ગામના લોકો પણ જનાંદોલનમાં જોડાશે

ભરૂચ: વાગરા તાલુકામાં દહેજ ઔદ્યોગિક વસાહતમાં આવેલાં લખીગામના લેન્ડ લૂઝર્સને છેલ્લાં 15 વર્ષમાં નોકરી નહીં મળી હોવાને પગલે પોતાના હક્ક મેળવવા તેમણે ગુરૂવારે જીસીપીટીસીએલના ગેટ ઉપર સવારથી જ જનઆંદોલન તેમજ પ્રતિક ઉપવાસ પર ઉતરવાનું રણશિંગુ ફુક્યું છે.વાગરા તાલુકામાં આવેલાં લખીગામની 100 ટકા જમીન જીઆઇડીસી દ્વારા 15 વર્ષ અગાઉ ઔદ્યોગિક વિકાસાર્થે સંપાદિત કરવામાં આવી હતી. જે તે સમયે જીઆઇડીસી તેમજ જીસીપીટીસીએલ કંપની દ્વારા મૌખિક તેમજ લેખીતમાં રોજગારી આપવાની ખાતરી આપવામાં આવી હતી.

જેમાં કંપનીમાં તમામ લેન્ડ લૂઝર્સને પ્રાથમિકતા આપી કાયમી નોકરી આપવાની, ગામના અન્ય બેરોજગારોને રોજગારી આપવી તેમજ ગ્રામજનોની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે પીવાનું પાણી, ગામના રસ્તા, ગટર યોજના, આરોગ્ય લક્ષી સુવિધાઓ, શૈક્ષણિક સુવિધા સહિતની સુવિધાઓ પુરી પાડવા અંગે પણ બાંયધરી આપી હતી. જોકે આજે 15 વર્ષ જેટલો લાંબો સમય વિતી ગયો હોવા છતાં કંપની દ્વારા લેન્ડ લૂઝર્સને નોકરી આપવામાં નહીં આવતાં લેન્ડ લુઝર્સના પરિવારોની આર્થિક અને સામાજિક પરિસ્થિતી કથળતાં આખરે લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. લખીગામના લેન્ડ લૂઝર્સએ ગુરુવારે સવારના 8 કલાકથી જીસીપીટીસીએલના ગેટ સામે જન આંદોલન તેમજ પ્રતિક ઉપવાસનું એલાન કર્યું છે. લેન્ડ લૂઝર્સના જન આંદોલનમાં આસપાસના ગ્રામજનો પણ જોડાશે.