• Gujarati News
  • From 41 To 43 Degrees, Dry Weather Likely To Be Bharuch

અંગ ઝરતી ગરમી વચ્ચે શહેરમાં સ્વયંભૂ કરફ્યુ જેવો માહોલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હવામાન વિભાગ મુજબ એક સપ્તાહ સુધી તાપમાનનો પારો ૪૧ થી૪૩ ડિગ્રી રહેવાની શકયતા

ભરૂચ જિલ્લામાં સુરજદાદાએ આગ ઓકતા ગરમીમાં શેકાઈને લોકો ત્રાહિ‌મામ પોકારી ઉઠયાં હતાં. નૈત્ય દિશા તરફથી ફૂંકાયેલા ગરમ પવનોની અસરથી શનિવારે જિલ્લામાં તાપમાનનો પારો ૪૨ ડિગ્રી પર પહોંચી ગયો હતો.
ભરૂચમાં ગરમીએ તેનો કહેર વરસાવાનો જારી રાખતા આગ ઝરતી ગરમીથી જિલ્લાની પ્રજા ત્રાહિ‌મામ પોકારી ઉઠી છે. મકતમપુર સ્થિત કૃષિ યુનિવર્સિ‌ટીનાં હવામાન વિભાગનાં અહેવાલ મુજબ શનિવારે દિવસ દરમિયાન નૈત્ય દિશા તરફથી ૬ કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફંકાયા હતા.

અંગ દઝાડતી ગરમીમાં બપોરના સમયે શહેરીજનોએ જાણે સ્વયંભુ કરફ્યું લાદી દીધું હતું. ભારે ગરમીના કારણે શહેરના મુખ્ય રસ્તાઓ પર માનવરહિ‌ત ભાંખતાં હતાં. અસહ્ય ગરમીના કારણે પશુ-પક્ષીઓ પણ છાયડાનો સહારો લઇને ગરમીથી બચવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં. આજે ગરમીના પ્રકોપથી રાહત મેળવવા ઠંડા પીણા અને આઈસક્રીમ તથા બરફગોળાની લારીઓ પર ભીડ જોવા મળી હતી. શહેરીજનોએ ગરમીના કારણે લૂ થી બચવા માટે એસી અને પંખાના ધમધમાટ તળે જ ઠંડકમાં રહેવાનું મુનાસિબ માન્યું હતું.

શનિવારે જિલ્લાનું મહત્તમ તાપમાન ૪૨ ડીગ્રી જેટલું રહ્યું હતું જ્યારે લઘતુમ તાપમાન પણ ૨૪ ડિગ્રી જેટલું ઊંચું નોંધાયું હતું. જ્યારે ભેજનું સરેરાશ પ્રમાણ ૨૭ ટકાની આસપાસ નોંધાયું હતું. આગામી દિવસોમાં ગરમી વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. કૃષિ યુનિ. નવસારીનાં મકતમપુર સ્થિત કેન્દ્રને હવામાન વિભાગ તરફથી મળેલી આગાહી મુજબ આગામી સપ્તાહ સુધી તાપમાનનો પારો ૪૧ થી૪૩ ડિગ્રીની વચ્ચે રહેવાની શકયતા દર્શાવી છે.