ભરૂચ શહેરનાં સૌ પ્રથમ ફ્લાય ઓવરનું નિર્માણ ૩૩ કરોડના ખર્ચે થશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વધુ એક વિકલ્પ ઉપલબ્ધ થતાં પૂર્વ -પ‌શ્ચિ‌મ વિસ્તારોની કનેકિટવિટીમાં વધારો થશે
કસક ગરનાળામાં ટ્રાફિકનું ભારણ હળવું બનશે જેનાથી વાહનચાલકોને ઘણી રાહત થશે
ભરૂચમાં ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે ભોલાવ ફાટક પાસે રૂપિયા ૩૩ કરોડના ખર્ચે આકાર લેનારા ફ્લાયઓવરની કામગીરીનો વહીવટીતંત્ર દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરમાં આકાર લેનારા સૌ પ્રથમ ફ્લાય ઓવરને કારણે પૂર્વ અને પ‌શ્ચિ‌મ વિસ્તારો વચ્ચેની કનેક્ટિવિટી વધશે તેમજ કસક ગરનાળા વિસ્તારમાં વકરતી ટ્રાફિકની સમસ્યાથી લોકોને છુટકારો મળશે.
શહેરના પૂર્વ અને પ‌શ્ચિ‌મ વિસ્તાર કસક ગરનાળા તથા નંદેલાવ ઓવરબ્રિજના માધ્યમથી એકબીજા સાથે સંકળાયેલાં છે. બે અતિ મહત્વના વિસ્તારોને સાંકળવા માટે હવે ભોલાવ ફાટક નજીક ૩૩ કરોડ રૂપિયાના ખર્ચે ફ્લાયઓવર બ્રિજ આકાર લેવા જઇ રહયો છે. વહીવટીતંત્રએ ઓવરબ્રિજની કામગીરી શરૂ કરી દીધી છે જેના ભાગરૂપે જુના નેશનલ હાઇવે નંબર ૮ પર આવેલાં દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. તારીખ બીજી મેના રોજ માર્ગ અને મકાન વિભાગના મંત્રી આનંદીબેન પટેલના હસ્તે ભોલાવ ફ્લાયઓવરના ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પરંતુ છેલ્લી ઘડીએ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો.
હવે આગામી દિવસોમાં તેમની હાજરીમાં ફ્લાયઓવરનું વિધિવત રીતે ભૂમિપૂજન કરાશે.
ભરૂચ સ્ટેશન ખાતેથી રોજના અપડાઉન ટ્રેન મળી ૧૧૦ લોકલ, એક્સપ્રેસ, સુપરફાસ્ટ, મેલ તથા ગુડઝ ટ્રેન પસાર થાય છે. ટ્રેનોના પસાર થવાના સમયે ભોલાવ ફાટક બંધ રહેતાં ફાટકની બંને બાજુ વાહનોની કતારો લાગી જાય છે. ભરૂચમાં ફ્લાય ઓવરબ્રિજનું નિર્માણ થાય તે માટે જનપ્રતિનિધિઓ, નગરપાલિકાના સભ્યો તેમજ અન્ય આગેવાનોએ રાજય સરકારમાં રજૂઆતો કરી હતી.
ભરૂચ શહેરના નાગરિકોની વર્ષો જૂની માગણીનો અંત આવ્યો છે
ભરૂચ શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ફ્લાયઓવરની તાતી જરૂરિયાત હતી. ભોલાવ ફાટક નજીક નવા ફ્લાયઓવરના નિર્માણ માટે શહેરના નાગરિકો દ્વારા વર્ષોથી માંગણી કરવામાં આવતી હતી. બ્રિજના નિર્માણથી માંગણીનો અંત આવ્યો છે. દુષ્યંત પટેલ, ધારાસભ્ય, ભરૂચ
દોઢ વર્ષમાં ફ્લાયઓવર બ્રિજની કામગીરી પૂર્ણ કરાશે
ભોલાવ ફાટક નજીક નિર્માણ પામનારા ફ્લાયઓવર બ્રિજની લંબાઇ ૭પ૦ મીટર રાખવામાં આવી છે. જુના નેશનલ હાઇવે નંબર ૮ પર આવેલાં ભોલાવ રેસ્ટ હાઉસ ખાતેથી બ્રિજની શરૂઆત થશે અને ગુજરાત ગેસ કંપની નજીક આવેલાં ગેસ સ્ટેશન નજીક તે પૂર્ણ થશે. ફ્લાયઓવરના નિર્માણની કામગીરી ૧૮ મહિ‌નામાં પૂર્ણ કરવાનું આયોજન છે.
કસક ગરનાળામાં વાહનોનું ભારણ ઘટશે
ભરૂચમાં તમામ કોલેજો, દુધધારા ડેરી, જીઆઇડીસી પૂર્વ વિસ્તારમાં તથા સરકારી કચેરીઓ, ન્યાય સંકુલ વગેરે પ‌શ્ચિ‌મ વિસ્તારમાં આવેલા છે. બંને વિસ્તારોને રેલવે લાઇન વિભાજિત કરતી હોવાથી કસક ગરનાળામાં વાહનોનું ભારણ વધી જાય છે. જેના કારણે કસકથી પાંચબત્તી સુધી સતત ટ્રાફિક જામ રહે છે.