તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝઘડિયા જીઆઇડીસીની કંપનીમાં ભીષણ આગથી દોડધામ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેમી ઓર્ગેનિક કેમિકલના ડીએનસીપી પ્લાન્ટની ટાંકીનો વાલ્વ ધડાકાભેર ફાટયાં બાદ આગ લાગી
ચાર કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો : સદનસીબે કોઇ જાનહાનિ નહીં
ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી કેમી આર્ગેનિક કેમિકલ કંપનીના ડીએનસીપી પ્લાન્ટમાં આવેલી ટેન્કનો વાલ્વ ધડાકાભેર ફાટયાં બાદ આગ ફાટી નીકળી હોવાની ઘટના આજે શનિવારે સવારે સાડા આઠ કલાકના અરસામાં બની હતી. અંકલેશ્વર ડીપીએમસી, ઝઘડિયા તથા પાનોલીના લાશ્કરોએ ઘટનાસ્થળે પહોંચી ચાર કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગની જાણ થતાં પ્લાન્ટમાં ફરજ બજાવતાં તમામ કર્મચારીઓ બહાર દોડી આવતાં તેમનો આબાદ બચાવ થયો હતો.
ભરૂચ જિલ્લાની ઝઘડિયા જીઆઇડીસીની કેમી ઓર્ગેનિક કંપનીમાં આજે શનિવારે સવારે સાડા આઠ કલાકે ડાય નાઇટ્રો કલોરો બેન્ઝીન ભરેલી ટેન્કનો વાલ્વ ધડાકાભેર ફાટવાને કારણે ટેન્કમાં આગ ફાટી નીકળી હતી. આગની જાણ થતાં જ પ્લાન્ટમાં ફરજ બજાવતાં કર્મચારીઓ બહાર દોડી આવતાં તેમનો આબાદ બચાવ થયો હતો. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યાં હતાં જે બે કિલોમીટર દુર સુધી દેખાયાં હતાં.
બનાવને પગલે અંકલેશ્વર ડીપીએમસી, ઝઘડિયા અને પાનોલી જીઆઇડીસીના લાશ્કરો સાતથી વધારે લાયબંબા સાથે ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં અને આગને કાબુમાં લેવાના પ્રયાસો આદર્યા હતાં. ચાર કલાકની ભારે જહેમત બાદ આગને ઓલવી નાંખવામાં લાશ્કરોને સફળતા મળી હતી. કેમિકલ ભરેલી ટાંકીનો વાલ્વ ફાટવાને કારણે થયેલાં ધડાકાનો અવાજ ચાર કિલોમીટર દુર સુધી સંભળાતાં લોકોએ અજુગતું બન્યું હોવાનું અનુમાન લગાવ્યું હતું પરંતુ પાછળથી કંપનીમાં આગ લાગી હોવાની તેમને જાણ થઇ હતી. આગની જાણ થતાં ઝઘડિયાના પ્રાંત અધિકારી આઇ.જે.માળી, મામલતદાર જી.એસ.વસાવા સહિતના અધિકારીઓ પણ દોડી આવ્યાં હતાં.