પિતા - પુત્રના ઝઘડામાં મધ્યસ્થી બનતાં પાડોશીએ જીવ ગુમાવ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પિતા - પુત્રના ઝઘડામાં મધ્યસ્થી બનતાં પાડોશીએ જીવ ગુમાવ્યો
અંકલેશ્વરના કોસમડી ગામે મોડી રાત્રે બનેલો બનાવ
તાલુકા પોલીસ મથકે મૃતકના ભાઈએ ફરિયાદ નોધાવી
અંકલેશ્વર: અંકલેશ્વરના કોસમડી ગામે પિતા-પુત્ર વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં મધ્યસ્થી બનીને ગયેલા પાડોશીને ગળાના ભાગે તિક્ષણ હથિયારના ઘા મારી દેતાં તેનું મોત નીપજ્યું હતું. બંને પિતા-પુત્ર સ્થળ પરથી ફરાર થઇ ગયા હતા. બનાવ સંદર્ભે મૃતકના ભાઈએ પિતા -પુત્ર વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોધી ફરાર થઇ ગયેલા પિતા પુત્રને ઝડપવાની કવાયત હાથ ધરાઇ છે.

કોસમડીના ભુવન વસાવાને તેના પુત્ર નિલેશ વસાવા સાથે શુક્રવારની મોડી રાત્રે ઝઘડો થયો હતો. જેમાં પાડોશમાં રહેતા મણીલાલ વસાવા મધ્યસ્થી બનીને આવ્યા હતા. આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પિતા-પુત્ર મારક હથિયારો મારવા જઈ રહ્યા હતા. દરમિયાનમાં મણીલાલના ગળાના ભાગે તિક્ષણ હથિયારના ઘા વાગતાં ગંભીર ઈજા પહોંચતાં મણીલાલનું મોત નીપજ્યું હતું. જેની જાણ મૃતકના ભાઈ વિક્રમને થતાં તેમણે બૂમાબૂમ કરતાં પિતા-પુત્ર સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. બનાવ સંદર્ભે મૃતકના ભાઈએ અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા પોલીસે હત્યા અંગેનો ગુનો દાખલ કરી ફરાર થયેલા પિતા - પુત્રને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.