• Gujarati News
  • Demanded Bharuch Corporation The President's Resignation

ભરૂચ પાલિકા પ્રમુખના રાજીનામાની માગણી સાથે કોંગ્રેસનાં ધરણાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ભરૂચ શહેર કોંગ્રેસના આગેવાનોએ ધરણાં કરી કલેક્ટરને આવેદન આપ્યું
- પ્રકરણમાં પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસર દ્વારા ભીનું સંકેલવાની કોશિશ કરાતી હોવાનો આક્ષેપ


ભરૂચ નગરપાલિકા પ્રમુખની કારને કઠલાલ પાસે નડેલાં અકસ્માત પ્રકરણમાં એક માનવજીવ ગુમાવવાનો વારો આવ્યો હોઇ કેસની નિષ્પક્ષ તપાસ થાય તેમજ સમગ્ર પ્રકરણના સંદર્ભમાં પાલિકા પ્રમુખ તથા ચીફ ઓફિસર નૈતિકતાના ધોરણે રાજીનામું આપે તેવી માંગ સાથે ભરૂચ શહેર કોંગ્રેસના આગેવાનોએ સોમવારે પાંચબત્તી ખાતે ધરણાં કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

ભરૂચ નગરપાલિકા પ્રમુખ દક્ષા પટેલની સરકારી કારને તેમનો ડ્રાઇવર ગત ૬ નવેમ્બરના રોજ અમદાવાદ લઇ ગયો હતો. જ્યાંથી પરત આવવા તેણે અમદાવાદથી ભરૂચ એક્સપ્રેસ હાઇવેનો ઉપયોગ ન કરી અમદાવાદ કઠલાલ માર્ગનો ઉપયોગ કરતાં હલદરવાસ ગામ પાસે તેની કાર અન્ય એક કાર સાથે ભટકાતાં એક શખ્સનું ગંભીર ઇજાઓને કારણે મોત નીપજ્યું હતું.

સમગ્ર પ્રકરણમાં પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસર સહિ‌તના અધિકારીઓ દ્વારા ભીનું સંકેલવાની કોશિષ કરવામાં આવી રહી હોવાની રાવ સાથે ભરૂચ શહેર-જિલ્લા કોંગ્રેસ દ્વારા પાંચબત્તી ખાતે ધરણાં કરાયાં હતાં. જેમાં જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર પ્રમુખ કિરણ ઠાકોર, પ્રવક્તા નાઝુ ફડવાળા, વિપક્ષના નેતા સલીમ અમદાવાદી, સંગઠન પ્રભારી કાશ્મિરા મુન્શી, દલપત વસાવા, ઇલ્યાસ ખોખર, અરવિંદ દોરાવાલા, યૂથ કોંગ્રેસ પ્રમુખ શમસાદ સૈયદ, એનએસયુઆઇ પ્રમુખ નિકુલ મિસ્ત્રી, જ્યોતિ પટેલ, ફરિદા પટેલ તેમજ જયકાંત પટેલ હાજર રહ્યાં હતાં.

શહેર કોંગ્રેસે અકસ્માતમાં એક માનવીનો ભોગ લેવાયો હોઇ ઘટના વધુ ગંભીર બની હોવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસર દ્વારા પ્રકરણને છાવરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભરૂચ કે વડોદરા - સૂરતમાં કાર રિપેર નહીં કરાવી કારને રિપેરિંગ માટે અમદાવાદ ખાતે મોકલવામાં આવી હોવાની તર્કવિહોણી વાત પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસર દ્વારા કરવામાં આવી રહી છે.

ધરણાં કાર્યક્રમ બાદ કોંગી આગેવાનોએ કલેક્ટરઅવંતિકા સિંગને આવેદન આપી અકસ્માત પ્રકરણમાં એક માનવજીવ ગુમાવ્યો હોવાને કારણે સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી હતી. ચીફ ઓફિસર પણ પોતાની સત્તાની મર્યાદા ભુલી સત્તાધિશોની હા માં હા મિલાવી રહ્યાં હોવાનો આક્ષેપ કરી કોંગી આગેવાનોએ પાલિકા પ્રમુખે રાજીનામું આપવાની તેમજ ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી.

- ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરવા માગણી

પાલિકા પ્રમુખની કારને અકસ્માત થતાં સરકારી અધિકારી તરીકે ચીફ ઓફિસરે સમગ્ર પ્રકરણની ન્યાયિક તપાસ કરવાને બદલે તેમણે પણ પાલિકા પ્રમુખના દોરવણીથી કાર્યવાહી કરી હોવાનું લાગી રહ્યું છે. ચીફ ઓફિસર પક્ષના આધિન થઇને કામગીરી કરી રહ્યાં હોવાનું જણાઇ રહ્યું છે. જેને કારણે તેમને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરી છે.
- રાજેન્દ્રસિંહ રાણા, જિલ્લા પ્રમુખ, કોંગ્રેસ