• Gujarati News
  • Congress Women Son's Bullying At Bharuch Gulshan Apartment

ભરૂચના ગુલશન એપાર્ટમેન્ટમાં મહિ‌લા કોંગી અગ્રણીના પુત્રની ગુંડાગીરી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મહિ‌લા કાઉન્સિલરના ઘર પર પથ્થરમારો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ

મકાન ખાલી કરાવવા માટે ગુંડાગીરી ઉપર ઉતરી આવેલા મહિ‌લા કોંગી અગ્રણીના પુત્રે મહિ‌લા કાઉન્સિલરના મકાન ઉપર પથ્થરમારો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ શહેરના બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાતા ભારે ચકચાર મચી ગઇ છે. મહિ‌લા કાઉન્સિલરની ફરિયાદને આધારે પોલીસે મહિ‌લા શહેર કોંગ્રેસ મંત્રીના પુત્ર અને તેના સાગરિતો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

શહેરના વડાપડા રોડ ઉપર ગુલશન એપાર્ટમેન્ટમાં રહેતા ભરૂચ નગરપાલિકાના કાઉન્સિલર તસ્નીમ ધડિયાળીએ મહિ‌લા શહેર મંત્રી ફિરોઝા લાકડાવાલાના પુત્ર રોમાન લાકડાવાલા વિરૂદ્ધ બી ડિવિઝનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઇકાલે રાત્રે રોમાના લાકડાવાલા એકાએક તેમના ઘરે ધસી આવ્યો હતો અને મકાન ખાલી કરવા બાબતે ધાક ધમકી આપી હતી. મકાન તેમણે ખરીદી લીધુ હોવાથી ખાલી કરી દેવા જણાવી ગાળા ગાળી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી ભય અને ત્રાસ ફેલાવ્યો હતો.

તેમજ મકાનના બારી બારણા બંધ કરી દેતા રોમાના લાકડાવાલાએ પથ્થરમારો કરી બારીના કાચ તોડી નાખ્યા હતાં અને ત્યારપછી પણ પથ્થરમારો જારી રાખતા તેમને (તસ્નીમ) પથ્થર વાગ્યો હતો. રોમાન લાકડાવાલાના અસભ્ય અને તોફાની વર્તનથી ભયભીત બની ડીએસપી ગૌતમ પરમાર અને કંટ્રોલરૂમમાં ફોન કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ડીવાયએસપી કૌશિક પંડયા અને બી ડિવિઝન પોલીસ મથકના અધિકારીઓએ મ્યુનિસિપલ કાઉન્સિલર તસ્નીમ ઘડિયાળીની કેફિયત સાંભળીને ફરિયાદ લઇ રોમાના લાકડાવાલા વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દરમિયાન આજે રોમાન લાકડાવાલા તેના માતા પિતા સાથે પોલીસ સમક્ષ હાજર થતાં તેનુ નિવેદન પોલીસે નોંધ્યું હતું.

મકાન ખાલી કરવાનું કહેતા ખોટી ફરિયાદ નોંધાવી છે

ગુલસન એપાર્ટમેન્ટના જે ફલેટમાં તસ્નીમ ઘડીયાળી રહે છે તે મકાન થોડા સમય પહેલાં જ અમે વેચાણથી લઇ લીધુ છે. ભાડેથી રહેતા તસ્નીમ ઘડીયાળી અને તેમના પરિવારને મકાન ખાલી કરવા જણાવતા તેઓ દાદાગીરી કરે છે. ગઇકાલે મારો પુત્ર રોમાન તસ્નીમ અને તેમના પતિ કૈઝર ઘડિયાળીને બોલાવવા માટે ગયો હતો. તેણે કોઇ અસભ્ય વર્તન કે ધાક ધમકી આપી ન હતી. - ફિરોઝા લાકડાવાલા, મંત્રી, શહેર મહિ‌લા કોંગ્રેસ

બે મહિ‌ના અગાઉ પણ ધમકી આપી હતી

ગુલશન એપાર્ટમેન્ટમાં અમે છેલ્લા ૮-૧૦ વર્ષથી ભાડાના મકાનમાં રહીએ છીએ. બે મહિ‌ના અગાઉ પણ રોમાન લાકડાવાલાએ ગાળા-ગાળી કરી મકાન ખાલી કરવા બાબતે ધમકી આપી હતી. તે સામયે રોમાનના માતા-પિતાએ પુત્રના વર્તન અંગે અફસોસ વ્યકત કરી માફી માંગી હોવાથી કાયદેસરની કાર્યવાહી કરી ન હતી. ગુરૂવારે રાત્રે ફરી ભય અને ત્રસ ફેલાવતા આખરે પોલીસ ફરિયાદ કરવાની ફરજ પડી હતી. - તસ્નીમ ઘડિયાળી, ફરિયાદી