લીમોદરાના તલાટી લાંચ લેતાં ઝબ્બે

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- એસીબીના અધિકારીઓએ ટેલિફોન એક્સચેન્જ પાસે છટકું ગોઠવ્યું હતું
ઝઘડિયા તાલુકામાં આવેલાં લીમોદરા ગામના તલાટીએ ગામના એક શખ્સ પાસે બેન્કની લોનનો બોજો દફ્તરે ચઢાવવા માટે રૂપિયા ૨પ૦૦ની લાંચ માંગી હતી. જેને પગલે ભરૂચ લાંચ રૂશ્વત વિરોધી શાખામાં ફરિયાદ નોંધાવતાં બુધવારે લાંચ રૂશ્વત વિરોધી શાખાના અધિકારીઓએ ઝઘડિયાની સેવા રૂરલ હોસ્પિટલ પાસે છટકું ગોઠવી તલાટીને રંગે હાથ ઝડપી પાડ્યો હતો.
પોલીસ સુત્રોમાંથી મળતી માહિ‌તી અનુસાર ઝઘડિયા તાલુકામાં આવેલાં લિમોદરા ગામે રહેતાં વિરમ ભયજી દેસાઇએ ઝઘડિયા નાગરિક બેન્કમાંથી તેમના બે મકાનના આધારે રૂપિયા ૩૦ હજારની લોન લીધી હતી. જે લોનનો બોજો દફ્તરે ચઢાવવાનો હોઇ તેમણે લિમોદરા ગ્રામ પંચાયતમાં અરજી કરી હતી. લિમોદરા તેમજ કરાર ગામમાં તલાટી તરીકે ફરજ બજાવતાં કિરીટ વાઘેલાએ તેમનો બોજો નહીં ચઢાવી છેલ્લા ત્રણ મહિ‌નાથી તેમને ટલ્લે ચઢાવી રહ્યાં હતાં.
તલાટી કિરીટ વાઘેલાએ વિરમ દેસાઇ પાસે તેમનું કામ કરી આપવાના ભોગે રૂપિયા ૨પ૦૦ની લાંચ માંગી હતી. તલાટી કિરીટ વાઘેલાની હેરાનગતિથી ત્રસ્ત થયેલાં વિરમ દેસાઇએ આખરે ભરૂચ લાંચ રૂશ્વત વિરોધી શાખામાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન તલાટી કિરીટ વાઘેલાએ તેમને ઝઘડિયાની સેવા રૂરલ હોસ્પિટલ પાસે આવી લાંચના રૂપિયા આપી જવા માટે જણાવતાં તેમણે લાંચ રૂશ્વત વિરોધી શાખાનો સંપર્ક સાધ્યો હતો. એસીબીના અધિકારીઓએ બુધવારે ઝઘડિયા સેવા રૂરલ હોસ્પિટલ પાસે છટકું ગોઠવ્યું હતું.
અરસામાં તલાટી કિરીટ વાઘેલાએ વિરમ દેસાઇનો ટેલિફોનિક સંપર્ક સાંધી તેને હોસ્પિટલ પાસે આવેલાં ટેલિફોન એક્સચેન્જ નજીક બોલાવ્યો હતો. જ્યાં પહોંચ્યાં બાદ કિરીટે વિરમ દેસાઇ પાસેથી લાંચના રૂપિયા ૨પ૦૦ લેતાં એસીબીના અધિકારીઓએ દોડી આવી તેમને રંગે હાથ ઝડપી પાડ્યો હતો.