ભરૂચ પાલિકામાં નવી વસાહતની મહિ‌લાઓનો હલ્લો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાણીના અપુરતા જથ્થાને કારણે મહિ‌લાઓને રોજબરોજની કામગીરી ઉપર પડતી માઠી અસર

ભરૂચની નવી વસાહત વિસ્તારમાં છેલ્લાં કેટલાંય સમયથી પાણીનો પુરવઠો નહીં મળતો હોવાને કારણે રોષે ભરાયેલી મહિ‌લાઓએ આજે ગુરુવારે ભરૂચ નગર પાલિકા ખાતે હલ્લો બોલાવ્યો હતો. ભરૂચ નગર પાલિકા દ્વારા કરાયેલી જાહેરાત મુજબ એક સમયનું પાણી પણ નહીં મળતો હોવાનો આક્ષેપ મહિ‌લાઓએ કર્યો હતો.ભરૂચ શહેરમાં ૪પ દિવસ માટે પાણીનો કાપ મુકવામાં આવ્યો હોઇ શહેરના અનેક વિસ્તારોમાં પાણીની અગવડતાં સર્જા‍ઇ છે. જોકે નગર પાલિકા દ્વારા તેનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે.

દરમિયાન આજે ભરૂચ સિવિલ હોસ્પિટલ પાસે આવેલી નવી વસાહત વિસ્તારમાં રહેતી મહિ‌લાઓએ ભરૂચ નગર પાલિકા ખાતે પાણીના મુદ્દે હલ્લો બોલાવ્યો હતો. નવી વસાહત વિસ્તારમાં ભરૂચ નગર પાલિકા દ્વારા જુની પાણીની પાઇપલાઇન બંધ કરી નવી પાઇપ લાઇનમાં જોડાણ આપવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જેને કારણે વિસ્તારમાં પાણીનો પુરવઠો આપી નહીં શકાતાં લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. વપરાશનું કે પીવાનું પાણી નહીં મળતું હોવાને કારણે સ્થાનિક મહિ‌લાઓને અન્ય વિસ્તારોમાં જઇને પાણી લેવા જવાની ફરજ પડી રહી છે.

નવી વસાહત સામે જ આવેલી સિવિલ હોસ્પિટલમાં આવેલાં નળમાં પાણી ભરવા માટે સ્થાનિક મહિ‌લાઓ કતાર લગાવતી હોય છે. પાણીનો અપુરતા જથ્થાને કારણે મહિ‌લાઓને રોજબરોજની કામગીરી ઉપર માઠી અસર પડી છે ત્યારે આજે ગુરૂવારે મહિ‌લાઓએ ભરૂચ નગર પાલિકા ખાતે હલ્લો મચાવી પાણીની સમસ્યા અંગે રજૂઆત કરી હતી.
નગર પાલિકા તંત્રએ નવી પાઇપલાઇનની કામગીરી વહેલી તકે પુર્ણ કરવા સાથે તેમના વિસ્તારમાં ટેન્કર વડે પાણી પહોંચતું કરવાની બાંયધરી આપી હતી.

વધુ વિગત વાંચવા માટે આગળ ક્લિક કરો...