ભરૂચમાં 1.30 લાખ APLકાર્ડધારકોને ચોખા મળશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક છે)

ભરૂચમાં 1.30 લાખ APLકાર્ડધારકોને ચોખા મળશે
અત્યાર સુધી માત્ર અંત્યોદય-BPL કાર્ડધારકોને રાહતદરે ચોખા મળતાં હતાં

ભરૂચ: ભરૂચ જિલ્લાના 1.30 લાખ કરતાં વધારે એપીએલ કાર્ડધારકોને હવે સસ્તાભાવે ચોખા મળી રહેશે. અત્યાર સુધી માત્ર અંત્યોદય તથા બીપીએલ કાર્ડધારકોને ચોખા આપવામાં આવતાં હતાં પણ હવે એપીએલ કાર્ડધારકો પણ પ્રત્યેક કાર્ડ દીઠ 6 કિલો ચોખા ~10.10 ના ભાવથી મેળવી શકશે. કલેકટર ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં આ યોજનાનું અમલીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે.ગરીબ તથા મધ્યમવર્ગીય પરિવારોને રાહતદરે અનાજ મળી રહે તે માટે અંત્યોદય, બીપીએલ તથા એપીએલ કાર્ડ મારફતે અનાજની વિતરણ વ્યવસ્થા કરાઇ છે. અંત્યંત ગરીબ પરિવારોને અંત્યોદય કાર્ડ, ગરીબી રેખા હેઠળ જીવતાં પરિવારોને બીપીએલ કાર્ડ તથા ગરીબી રેખા ઉપરના પરિવારોને એપીએલ કાર્ડ આપવામાં આવે છે. અત્યાર સુધી માત્ર અંત્યોદય અને બીપીએલ કાર્ડધારકોને રાહતદરે ચોખા મળતાં હતાં.

એપીએલ કાર્ડધારકોને પણ ચોખાનો જથ્થો મળી રહે તે માટે કલેકટર ડો. વિનોદ રાવે અપનાવેલા નવતર અભિગમના ભાગરૂપે હવે જિલ્લાના 1.30 લાખ એપીએલ કાર્ડધારકોને ચોખા મળવાપાત્ર થયાં છે. એપીએલ કાર્ડધારકોને કાર્ડ દીઠ ~10.10 ના ભાવથી છ કિલો ચોખાનું વિતરણ કરાશે. કલેકટર ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ પુરવઠા વિભાગની બેઠકમાં આ બાબતે વિમર્શ કરી કાર્ડધારકોને ચોખા સહિતનો અનાજનો જથ્થો મેળવવા સમસ્યા નડે નહિ તે બાબત પર ભાર મુક્યો હતો.
અગાઉ APLકાર્ડધારકોને ચોખા અપાતા ન હતાં
ભરૂચના કલેકટર ડો. વિનોદ રાવની સીધી સુચનાથી પહેલી સપ્ટેમ્બરથી એપીએલ કાર્ડધારકોને ચોખાનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. એપીએલ કાર્ડધારકોને 10.10 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી 6 કિલો ચોખાનો જથ્થો અપાશે. આ યોજનાથી 1.30 લાખ એપીએલ કાર્ડધારકોને ફાયદો થશે. >પંકજ ઔધિંયા,જિલ્લા પુરવઠા અધિકારી, ભરૂચ
FCIમાંથી ચોખાનો 450 મે.ટન જથ્થો લેવાયો
ભરૂચ જિલ્લામાં એપીએલ કાર્ડધારકોને પણ ચોખાનો જથ્થો અાપવાની યોજનાના અમલીકરણ બાદ ભરૂચ જિલ્લા પુરવઠા વિભાગે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસેથી પુરવઠા વિભાગ મારફતે 450 મે.ટન ચોખાનો જથ્થો મેળવી લીધો છે. એપીએલ કાર્ડધારકોને 734 મે.ટન ચોખાનું વિતરણ કરવાનો લક્ષ્યાંક વહીવટીતંત્ર ધરાવે છે.
પેન્ડિંગ અરજીઓના નિકાલ માટે તાકીદ
ગરીબ તથા મધ્યમવર્ગીય પરિવારોને સસ્તા અનાજની દુકાનોમાં સરળતાથી અનાજ મળી રહે તેવો અભિગમ કલેકટર ડો. વિનોદ રાવે અપનાવ્યો છે. જિલ્લામાં બીપીએલ કાર્ડ માટે અરજદારોની પેનડિંગ અરજીઓના નિકાલ માટે તેમણે અધિકારીઓને સુચના આપી છે. જિલ્લામાં 70 અરજીઓ પેન્ડિંગ છે. તેના નિકાલ માટે વિભાગે કાર્યવાહી શરૂ કરી છે.