અંકલેશ્વર શહેરની પીવાના પાણીની સમસ્યા હળવી બનશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુધારો: તળાવમાં પાણીની આવક થતાં ફિલ્ટ્રેશન પ્લાન્ટ કાર્યાન્વિત થવાના અણસાર
શહેરીજનોની પાણીની જરૂરિયાત પૂર્ણ કરવા હાલ બોર મારફતે પાણી અપાઇ રહ્યું છે
ઉકાઇ જમણા કાંઠાની કેનાલમાં ભંગાણ બાદ અંકલેશ્વર શહેરને પાણી પુરુ પાડતાં ગામ તળાવમાં જળસ્તર નીચે જતાં ઉભા થયેલાં જળ સંકટ વચ્ચે આજે મંગળવારે ૩૧ દિવસ બાદ પાણી પુરવઠો મળતા જળસંકટની સ્થિતિ હળવી બનવાની શકયતા વધી છે.
નર્મદા નદીના કાંઠે વસેલું અંકલેશ્વર શહેરને પીવાના પાણી માટે તાપી નદી પર નર્ભિ‌ર રહેવું પડે છે. તાપી નદીના ઉકાઈ જમણાકાંઠાની નહેરમાં પડેલા ભંગાણ બાદ અંકલેશ્વર- હાંસોટ તાલુકામાં જળસંકટની સમસ્યા ઉભી થઇ છે.૨૮મી એપ્રિલ બાદ આજે મંગળવારે ૩૧ દિવસ બાદ નહેર વિભાગ દ્વારા અંકલેશ્વર શહેર માટે પાણીનો પુરવઠો પુરો પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
૨૮મી એપ્રિલ પહેલા એક સપ્તાહ માટે આપેલા પાણીથી માત્ર ૧૦ દિવસ સુધી શહેરને પાણી આપી શકાયું હતું પરંતુ ત્યારબાદ કેનાલમાંથી પાણી મળતું બંધ થઇ જતાં ૨૦ જેટલા બોરમાંથી શહેરીજનોને પાણી આપવામાં આવી રહ્યું છે.
નગરપાલિકાના બોર સતત ધમધમતાં રહેતાં વીજળીની ખપત વધી જતાં નગરપાલિકાના માથે વધારાનું ભારણ આવી
પડયું હતું. કેનાલમાંથી અંકલેશ્વર શહેર માટે પાણી આપવા માટે નગરપાલિકા સત્તાધીશોએ કેનાલ વિભાગમાં રજૂઆત કરી હતી. આજે મંગળવારે ઉકાઇ જમણા કાંઠાની કેનાલમાંથી પાણી આપવાની શરૂઆત થતાં ગામતળાવમાં પાણીનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. જેના પરિણામે ટુંક સમયમાં પીવાના પાણીની સમસ્યા હળવી બનશે.