( અંકલેશ્વર જીઆઇડીસીમાં પ્રદુષણ ઘટાડવા હાથ ધરાયેલા પ્રયાસો )
તો અંકલેશ્વર GIDC 5 વર્ષમાં પ્રદૂષણ મુકત બનશે
રાઈટ ટ્રી એટ રાઈટ પ્લેસના કન્સેપ્ટના આધારે ઔદ્યોગિક વિસ્તારોમાં ગેસની માત્રા જાણવામાં આવી
ઝેરી અને જોખમી ગેસને શોષી લેતાં 2 લાખ વૃક્ષોનું ઔદ્યોગિક વિસ્તારમાં વાવેતર કરાયું
અંકલેશ્વર : અંકલેશ્વરજીઆઇડીસીમાં પ્રદૂષણ નિયંત્રણ માટે મોટાપાયે વૃક્ષ ઉછેર્યા હોવા છતાં ધાર્યા પરિણામ ના મળતા પ્રાણઘાતક પર્યાવરણ ધરાવતી જીઆઈડીસીમાં વિજ્ઞાનને અનુસરી રાઈટ ટ્રી એટ રાઈટ પ્લેસના કન્સેપ્ટથી ગેસની માત્રા જાણી તેને શોષી લેતા 2 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરાઈ રહ્યું છે. ઉદ્યોગકારોનો દાવો છે કે આ પ્રોજેકટથી આગામી 5 વર્ષોમાં જીઆઇડીસી પ્રદૂષણમુક્ત બનશે.અંકલેશ્વર જીઆઈડીસીમાં 1000 જેટલા નાના - મોટા ઉદ્યોગોના ધમધમાટથી વાતાવરણમાં જોખમી અને ઝેરી કહી શક્ય તેવા સલ્ફર ડાયોક્સાઈડ, નાઇટ્રોજન ડાયોક્સાઈડ, ઓઝોન , બેન્ઝીન અને કાર્બન મોનોકસાઈડ ગેસ ભળ્યા છે જે પ્રાણઘાતક પર્યાવરણ સર્જી રહ્યા છે. પર્યાવરણનું નિકંદન કાઢનારા આ ગેસ લાંબા ગાળે માઠી અસર પહોચાડી શકે છે. પ્રદુષણ નિયંત્રણ માટે વૃક્ષારોપણ ઉપર ભાર મુકાય છે,દરેક વૃક્ષનો એર પોલ્યુશન ટોલરન્સ ઇન્ડેક્ષ હોય છે જેના આધારે વૃક્ષની કોઈ એક ગેસને શોષી લેવાની વિશેષ ક્ષમતાનો ઉપયોગ કરી એ ગેસની વધુ માત્રા ધરાવતા વિસ્તારમાં તેનું વાવેતર કરાઇ રહ્યું છે.
સર્વેની કામગીરી
અંકલેશ્વર એન્વાયરોમેન્ટલ પ્રિઝર્વેશન સોસાઈટીએ આ માટે અંકલેશ્વરમાં સર્વે કરી અલગ અલગ વિસ્તારમાં ફેલાયેલા ગેસની માત્રાના આક મેળવ્યા છે. આ આંકના આધારે વિસ્તારમાં જોખમ ફેલાવતા ગેસ સામે તેને શોષી લેતા વૃક્ષનું વાવેતર કરાવ્યું છે.
માત્રા મુજબ વાવેતર
ગેસની માત્રા જાણવા માટે મોનિટરિંગ કરાઇ રહ્યું છે. ગેસની માત્રાને જાણી ગેસની માત્રા ઘટાડવા માટે વનસ્પતિનું વાવેતર કરી પ્રદૂષણનું પ્રમાણ ઘટાડવાના પ્રયાસ કરાઇ રહ્યા છે . > દિનેશ પટેલ, પ્રોજેક્ટ હેડ , પ્લાન્ટેશન
2017 સુધીમાં પ્રદૂષણ નામશેષ થશે
અંકલેશ્વરમાં રાઈટ ટ્રી એટ રાઈટ પ્લેસના કન્સેપ્ટને અનુસરી ૨ લાખથી વધુ વૃક્ષોનું વસાહત અને આસપાસના વિસ્તારમાં વાવેતર કરવામાં આવી રહ્યું છે. ઉદ્યોગકારોનો દાવો છે કે વર્ષ ૨૦૧૭ સુધી આ વૃક્ષો પરિપક્વ બનવાની સાથે અંકલેશ્વરને સંપૂર્ણ પ્રદુષણમુક્ત બનાવશે.
જરૂર મુજબ વૃક્ષોરોપણ
દરેક વૃક્ષનો એર પોલ્યુશન ટોલરન્સ ઇન્ડેક્ષ હોય છે. જેના આધારે વાવેતર કરી હવા શુદ્ધ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. અલગ અલગ વૃક્ષ જરૂર મુજબ વાવી પ્રયોગ કરવા જઈ રહ્યા છે
> એન. કે. નાવડિયા, ઇન્ચાર્જ , અંકલેશ્વર એન્વાય. પ્રિઝર્વેશન સોસા.
ઉદ્યોગકારોનો ઉત્સાહ બેવડાયો
ત્રણ વર્ષમાં જીઆઇડીસીમાં પ્રદૂષણ નિયંત્રણ માટે લેવાયેલા પગલાથી ધીરેધીરે મળી રહેલી સફળતાના પગલે પ્રોજેક્ટને આગલા ચરણમાં લંબાવાયો છે. તદુપરાંત પ્રદૂષણ પણ નિયંત્રણમાં આવતું હોવાના રીડીંગ મળતા ઉદ્યોગકારોનો ઉત્સાહ બેવડાયો છે.