ભરૂચ જિલ્લામાં વાવાઝોડાની અસરથી મીઠાના ઉત્પાદનમાં 5%નો ઘટાડો થશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ: ભરૂચ જિલ્લામાં વાતાવરણમાં આવેલાં પલટાને કારણે મીઠાના ઉત્પાદનમાં 5 ટકાનો ઘટાડો થવાની શકયતાઓ સેવાઇ રહી છે. મીઠુ પકવવા માટે 24 ડીગ્રીનું તાપમાન હોવું જરૂરી છે પણ વરસાદને કારણે તાપમાનનો પારો ગગડીને 15 ડીગ્રી સુધી પહોંચી ગયો છે. પવનને કારણે મીઠુ પકવવા તૈયાર કરાયેલી કયારીઓમાં માટી ભળી જતાં હવે તેને સાફ કરી નવેસરથી મીઠાનું ઉત્પાદન કરાશે. જાન્યુઆરીના પહેલાને બદલે હવે ફેબ્રુઆરીના પહેલાં સપ્તાહમાં નવું મીઠુ બજારમાં આવશે. 


 જિલ્લાના હાંસોટ, વાગરા અને જંબુસર તાલુકામાં મીઠાનું ઉત્પાદન કરતાં 150 કરતાં વધારે અગર આવેલાં છે. અરબી સમુદ્રમાં ઉદભવેલું ઓખી વાવાઝોડુ તટ પર આવતાં પહેલા સમાપ્ત થયું છે પણ મીઠા ઉદ્યોગના માથે સકંટના વાદળો ઘેરાયાં છે. ભરૂચમાં વાર્ષિક 20 લાખ ટન કરતાં વધારે મીઠાનું ઉત્પાદન કરવામાં આવે છે. મીઠાના ઉત્પાદન માટે 24 ડીગ્રીનું તાપમાન હોવું જરૂરી છે પણ વાવાઝોડાની અસરથી તાપમાનનો પારો ગગડીને 15 ડીગ્રી સુધી પહોંચી ગયો છે.

 

કાંઠા વિસ્તારમાં ફૂંકાયેલા પવનોથી મીઠાના પાણીમાં કયારીની માટી ભળી ગઇ છે. હવે તમામ કયારીઓની નવેસરથી સફાઇ કરી મીઠુ પકવવામાં આવશે. આ તમામ પ્રક્રિયાને કારણે મીઠાના ઉત્પાદનમાં 5 ટકાનો ઘટાડો થશે તેમજ ઉત્પાદન એક મહિના મોડુ આવશે. સામાન્ય રીતે જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં નવુ મીઠુ બજારમાં આવતું હોય છે પણ હવે તે ફેબ્રુઆરી મહિનામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...