તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે મહાશિવરાત્રી:મંદિરો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ: ભરૂચ અને નર્મદા જિલ્લામાં આવતીકાલે સોમવારે મહાશિવરાત્રી પર્વની ભકિત સભર માહોલમાં ઉજવણી કરવામાં આવશે. મહા શિવરાત્રીના પાવન અવસરે ઠેર ઠેર ઘીના કમળના દર્શનની સાથે સાથે ભાંગની પ્રસાદીનું વિતરણ કરાશે.
- આજે મહાશિવરાત્રી:મંદિરો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠશે
- ભોળાનાથને રીઝવવા દૂધ અને જળથી અભિષેક કરવામાં આવશે
- જંબુસરના ગુપ્તતીર્થ કંબોઇ ખાતે રાજયભરમાંથી લોકો ઉમટી પડશે
ભોળાનાથ મહાદેવની આરાધનાના પર્વ શિવરાત્રીની ઉજવણી માટે ભરૂચ અને નર્મદા જિલ્લામાં ભાવિક ભકતો તડામાર તૈયારીઓ કરી રહયાં છે. આવતીકાલે મહાશિવરાત્રી નિમિત્તે શિવાલયોમાં શિવજીના દર્શન માટે વહેલી સવારથી ભકતોની કતાર લાગી જશે. જંબુસર નજીક આવેલાં કંબોઇના સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. શિવરાત્રી નિમિત્તે કંબોઇ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

ભરૂચ, અંકલેશ્વર, જંબુસર, વાગરા, આમોદ, હાંસોટ, સાગબારા, દેડીયાપાડા, સેલંબા, રાજપીપળા, તિલકવાડા, ગરૂડેશ્વર, વાલિયા, નેત્રંગ, ઝઘડિયા સહિતના તાલુકા મથકો ખાતે આવેલાં શિવ મંદિરોમાં પણ શિવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. શિવાલયોમાં ઘીના કમળ બનાવવામાં આવશે. આવતીકાલે શિવરાત્રીએ ભોળાનાથ શંભુનો દૂધ અને જળથી અભિષેક કરવામાં આવશે.
ભરૂચ શહેરના શકિતનાથ મહાદેવ, સિદ્ધનાથ મહાદેવ, શકિતનાથ મહાદેવ, નવગ્રહ મંદિર, નવચોકીનો ઓવારો, નીલકંઠેશ્વર મહાદેવ સહિતના શિવાલયોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આવતીકાલે શિવમંદિરો તથા યુવક મંડળો દ્વારા ભાંગની પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે. જિલ્લામાં આવેલાં પૌરાણિક શિવમંદિરો ખાતે મેળા પણ ભરાશે.
બિલીપત્રોનું ધુમ વેચાણ થશે
ભોળાનાથ શંભુની આરાધના માટે બિલિપત્રોનું મહત્વ રહેલું છે. શિવરાત્રીના દિવસે શિવજીની અરાધના માટે દૂધ અને જળની સાથે બિલિપત્રથી અભિષેક કરવામાં આવે છે. આવતીકાલે શિવરાત્રીના પાવન અવસરે શિવાલયોની બહાર બિલિપત્રોનું વેચાણ કરતાં વેપારીઓ તેમની હાટડીઓ લગાવશે.
શિવાલયોને રોશનીથી શણગારાયા
મહાશિવરાત્રીના તહેવારને અનુલક્ષી શિવાલયોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યાં છે. શિવરાત્રીની પૂર્વ સંધ્યાથી જ શિવાલયોને રોશનીથી શણગારી દેવામાં આવ્યાં હતાં. આવતીકાલે શિવરાત્રીના દિવસે સવારથી મોડી રાત સુધી શિવજીના દર્શન માટે ભાવિક ભકતો ઉમટી પડશે.
પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો
ભરૂચ શહેરના નીલકંઠ મહાદેવ મંદિર તથા અન્ય મંદિરો ખાતે શિવરાત્રીના પાવન અવસરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. મોટી સંખ્યામાં ભકતોની હાજરીને અનુલક્ષી કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાઇ રહે તે માટે શિવાલયો ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.
અન્ય સમાચારો પણ છે...