ભરૂચ જિલ્લામાં 100% CCTV હેઠળ આજથી બોર્ડની પરીક્ષા શરૂ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ: ભરૂચ જિલ્લામાં આવતીકાલે બુધવારથી શરૂ થઇ રહેલી બોર્ડની પરીક્ષામાં ધો. 10 અને ધો. 12 સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહના કુલ 35372 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ભરૂચમાં 48 કેન્દ્રમાં તમામ બ્લોક પર 100 ટકા સીસીટીવી કેમેરાની બાજનજર હેઠળ પરીક્ષાઓ લેવાશે. ભરૂચ જિલ્લામાં આવતીકાલે બુધવારથી બોર્ડની પરીક્ષા શરૂ થઇ રહી છે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા તમામ કેન્દ્રો પર 100 ટકા સીસીટીવી કેમેરા હેઠળ પરીક્ષા લેવાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.
 
જિલ્લામાં 48 કેન્દ્રો પર બોર્ડના 35372 છાત્રોની કસોટી
આવતીકાલે ધો. 10ના 27,344 વિદ્યાર્થીઓ પ્રથમ ભાષાની પરીક્ષા આપશે. જ્યારે ધો. 12 સામાન્ય પ્રવાહના 4,068 વિદ્યાર્થીઓ નામાના મુળ તત્વ વિષયની તેમજ વિજ્ઞાન પ્રવાહ 3,960ના વિદ્યાર્થીઓ ભૌતિક વિજ્ઞાન વિષયની પરીક્ષા આપશે. આવતીકાલે બોર્ડની પરીક્ષામાં નોંધાયેલાં કુલ 39392 વિદ્યાર્થીઓ પૈકી 35372 વિદ્યાર્થીઓ બોર્ડની કસોટીના એરણે ચઢશે. ભરૂચ જિલ્લામાં 48 કેન્દ્રો પર કુલ 135 બિલ્ડીંગમાં 1448 બ્લોકમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા ટાણે વિદ્યાર્થીઓને કોઇ પણ પ્રકારની સમસ્યા ન સર્જાય તે માટેની તકેદારી પણ ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા રાખવામાં આવી છે. પરીક્ષા સમયે વિસ્તારોમાં લાઇટ જવાના બનાવો ન બને તેમજ પરીક્ષા કેન્દ્રો ખાતે આરોગ્ય વિભાગની ટીમોને તૈનાત કરવામાં આવશે. સાથે સાથે પાણીની વ્યવસ્થા સહિત અન્ય સુવિધાઓના આયોજનોને પણ આખરી ઓપ શિક્ષણવિભાગ દ્વારા આપી દેવાયો છે.
 
પરીક્ષાર્થીઓને મદદ કરવી જરૂરી

બોર્ડથી પરીક્ષાની તૈયારીઓ પુર્ણ કરી દેવામાં આવી છે. આવતીકાલથી પરીક્ષાનો માહોલ શરૂ થઇ જશે. ત્યારે બોર્ડની પરીક્ષા આપવા માટે જઇ રહેલાં વિદ્યાર્થીઓને તેમના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં મદદરૂપ થવું જરૂરી છે. રસ્તામાં કોઇ વિદ્યાર્થી પરીક્ષા આપવા જતો હોય તેને સહાયતા કરવી જોઇએ.  > નૈષધ મકવાણા, જિલ્લા શિક્ષણાધિકારી, ભરૂચ.
 
અન્ય સમાચારો પણ છે...