અહેમદ પટેલના વિજયથી સમર્થકોએ દિવાળી ઉજવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ/અંકલેશ્વર: રાજ્યસભાના 3 સભ્યોની મુદત પુર્ણ થતાં તા. 8ના રોજ યોજાયેલી ચૂટણીમાં ભાજપ અને કોંગ્રેસના સભ્યોની અંતિમક્ષણ સુધીની મહેનત નજરે જોવા મળી હતી. કોંગી ઉમેદવાર અહેમદ પટેલને પછડાટ આપવાની વ્યુહ રચના સાથે ભાજપે અંતિમ તબક્કા સુધી ધમપછાડા કર્યા હતાં.
 
ભાજપના ધમપછાડા બાદ કોંગ્રેસે બેઠક જાળવતાં ઉત્સાહનો માહોલ
 
કોંગ્રેસે બે સભ્યોના મત રદ કરવાની કરેલી માગ ચૂંટણી પંચે સ્વીકાર્યા બાદ મતગણતરી ચાલુ થઇ હતી. જેમાં કોંગી ઉમેદવાર અહેમદ પટેલનો વિજય થતાં જ વતન ભરૂચ જિલ્લો અને પિરામણ ગામમાં જાણે દિવાળીનો માહોલ છવાયો હતો. ભરૂચના પનોતા પુત્રને પછડાટ આપવામાં ભાજપને પછડાટ મળતાં જ કોંગ્ી કાર્યકરોએ આતશબાજી કરી વિજયોત્સવ મનાવ્યો હતો.
 
ભરૂચમાં ઢોલ-નગરાના તાલે મહિલા કાર્યકરો ગરબે રમ્યાં
 
કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સચિવ અહમદ પટેલ રાજયસભાની ચૂંટણીમાં વિજયી બનતાં કાર્યકરો ખુશીથી ઝૂમી ઉઠયાં છે. કોંગ્રેસના બળવાખોર બળવંતસિંહ રાજપુતને હરાવી અહમદ પટેલે સતત પાંચમી ટર્મ માટે રાજયસભાની બેઠક જાળવી રાખી છે. સ્ટેશન રોડ પર આવેલાં મધ્યસ્થ કાર્યાલય ખાતે ફટાકડા ફોડવામાં આવ્યાં હતાં તથા મિઠાઇ વહેંચવામાં આવી હતી. રાજયસભાની ચૂંટણીમાં હાઇવોલ્ટેજ બાદ મંગળવારે રાત્રે 2 વાગ્યે અહમદ પટેલની જીત પાકકી બની હતી.
 
ભરૂચ શહેર અને જિલ્લામાંથી 100થી વધારે આગેવાનો અને કાર્યકરોએ મંગળવારે સવારથી ગાંધીનગરમાં ધામા નાંખ્યા હતાં. અહમદ પટેલનો વિજય થતાંની સાથે તેમના વતન એવા ભરૂચ જિલ્લામાં ઉજવણીનો દોર શરૂ થઇ ગયો હતો. બુધવારે સવારે 11 કલાકે ભરૂચના કોંગ્રેસ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો એકત્ર થયાં હતાં. અહમદભાઇ તુમ આગે બઢોની નારેબાજી કરતાં કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઢોલનગારાના તાલ સાથે કાર્યકરો ઝૂમી ઉઠયાં હતાં. ખાસ કરીને મહિલા કાર્યકરોએ ગરબે ઘુમી હતી. એક બીજાને મિઠાઇ ખવડાવી જીતની શુભેચ્છા આપી હતી.
 
ઝઘડિયામાં અહમદ પટેલની જીતના વધામણા લેતાં કાર્યકરો
 
રાજયસભાના સાંસદ તરીકે સતત 5મી ટર્મ માટે અહમદ પટેલ ચૂંટાઇ આવતાં ઝઘડિયામાં કોંગી કાર્યકરોએ ઉજવણી કરી હતી. મંગળવારે રાજયસભાની 3 બેઠકો માટે યોજાયેલી ચૂંટણી ભારે રસાકસીભરી બની હતી. હાઇ વોલ્ટેજ ડ્રામા બાદ અહમદ પટેલ 44 મત મેળવી વિજયી બન્યાં હતાં. ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિજયના વધામણા લેવામાં આવ્યાં હતાં. કાર્યાલય ખાતે ફટાકડા ફોડી મીઠાઇ વહેચી હતી. ઉજવણીના કાર્યક્રમમાં નટુભાઇ પરમાર, ભુપેન્દ્રસિંહ, ખુશાલ આહિર, ભાસ્કર પટેલ, વિઠ્ઠલ સરપંચ, સાલેજી મન્સુરી, તખતસિંહ પ્રાંકડા સહિતના કાર્યકરો હાજર રહયાં હતાં. તેમણે ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો હતો.
ભાજપે કોંગ્રેસમાંથી બળવો કરીને આવેલાં બળવંતસિંહ રાજપુતને ટીકીટ આપી હતી. આખા દિવસના હાઇ વોલ્ટેજ ડ્રામા બાદ રાત્રે બે કલાકે પરિણામની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં અહમદ પટેલને 44 અને બળવંતસિંહ રાજપુતને 38 મત મળ્યાં હતાં.
 
આગળ વાંચો, ભરૂચમાં ઢોલ-નગરાના તાલે મહિલા કાર્યકરો ગરબે રમ્યાં
અન્ય સમાચારો પણ છે...