ભરૂચ: ભરૂચના મહેસુલ વિભાગના નાયબ મામલતદાર ગુરૂવારે 37 હજારની લાંચ લેતાં ઝડપાઇ ગયાં હતાં. ભરૂચ એસીબીની ટીમે તેમની ધરપડક કરી કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ મામલતદાર કચેરીના મહેસુલ વિભાગના નાયબ મામલતદારને દયાદરાના એક શખ્સ પાસેથી પેટ્રોલપંપ બનાવવા માટે જમીનને એનએ કરવાની હોઇ તેના અભિપ્રાય માટે ફાઇલ આપી હતી. જે ફાઇલને આગળ ધપાવવા માટે 50 હજારની લાંચની માંગણી બાદ 37 હજારની લાંચ લેતાં એસીબીના છટકામાં ઝડપાઇ ગયાં હતાં. તેમના કચેરીની જડતી કરતાં અન્ય 1.47 લાખ રોકડા મળી આવતાં અન્ય રૂપિયાની વિગતો એકત્ર કરવાની કવાયત પોલીસે હાથ ધરી છે.
પેટ્રોલપંપની ફાઇલમાં અભિપ્રાય માટે 50 હજારની લાંચ માંગી હતી
ભરૂચના દયાદરા ગામે રહેતાં મિનહાઝ શબ્બીરહૂસેન ડેરીવાલાએ તેમની જમીન ઉપર પેટ્રોલ પંપ બનાવવાનું હોઇ તે માટે અરજી કરી હતી. અરજીના અનુસંધાનમાં તેમની જમીન એનએ કરવાની હોવાથી તેમણે અભિપ્રાય માટે તેમની ફાઇલ મામલતદાર કચેરીમાં આપી હતી. ફાઇલમાં સકારાત્મક અભિપ્રાય આપીને ફાઇલને આગળ ધપાવા માટે ભરૂચ મામલતદાર કચેરીમાં વર્ગ-3ના મહેસુલ વિભાગના નાયબ મામલતદાર નારસિંહ દેસાઇ પરમારે તેમની પાસેથી 50 હજારની લાંચ માંગી હતી.
કચેરીની તપાસ કરતાં અન્ય 1.47લાખ રોકડા મળી આવ્યા હતાં
ભારે રકઝક બાદ મામલો 37 હજારમાં સેટલ કરવાનું નક્કી કરાયું હતું. મિનહાઝ ડેરીવાલાએ ભરૂચ એસીબીમાં ફરિયાદ નોંધાવતાં છટકું ગોઠવ્યું હતું. મિનહાઝ ડેરીવાલા નિયત કર્યાં મુજબ નાયબ મામલતદારની કચેરીમાં જતાં નાયબ મામલતદારે તેમના ટેબલના જમણી બાજુનું ડ્રોવર ખોલી તેમાં રૂપિયા નાંખવા જણાવતાં મિનહાઝે ડ્રોવરમાં રૂપિયા મુક્યાં હતાં. એસીબીની ટીમે કચેરીમાં તલાશી લેતાં પોલીસને લાંચમાં લીધેલાં 37 હજાર તેમજ અન્ય 1.47 લાખ રોકડા મળ્યા હતાં. પોલીસે નાયબ મામલતદારને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.