ગામના જ શખ્સે પત્ની સાથે આડો સંબંધની શંકાએ કારસો રચ્યો હોવાની શંકા
નેત્રંગ તાલુકામાં આવેલાં ડેબાર ગામે રહેતાં વસંત રણછોડ વસાવા તેમના ફળીયામાં આવેલાં લક્ષ્મીમાતાના મંદિરના ઓટલાં પર રાત્રીના સમયે સુઇ ગયો હતો. દરમિયાન આજે સવારે તેના માથામાં કોઇ બોથડ પદાર્થ વડે ઘા કરતાં તેના માથામાંથી લોહી નિકળેલી હાલતમાં પથારીમાં પડેલો મળી આવ્યો હતો. તેના પિતરાઇ ભાઇ તેમજ ગામના લોકો એકત્ર થઇ જતાં તેને તાત્કાલિક સારવાર માટે નેત્રંગ સીએચસી બાદ વધુ સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબે તેનું પરિક્ષણ કરતાં તેનું મોત નીપજ્યું હોવાનું માલુમ પડ્યું હતું.
રાત્રીના સમયે ગામના એક શખ્સને ત્યાં ટીવી જોયા બાદ રાત્રીના 12.30 કલાકના અરસામાં મંદિરના ઓટલા પર જઇને સુઇ ગયાં હતાં. રાત્રીના સમયગાળા દરમિયાન કોઇ શખ્સે તેના માથાના પાછળના ભાગે કોઇ વસ્તુથી ઘા કરતાં તેના માથામાંથી ગંભીર ઇજાઓ કરી તેની કરપિણ હત્યા કરવામાં આવી હતી. સમગ્ર મામલામાં મૃતકના પિતરાઇ ભાઇએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગામમાં રહેતાં યોગેશ વસાવાને વહેમ હતો કે તેની પત્ની સુમતી તેમજ વસંત વચ્ચે આડોસંબંધ હતો. જેને પગલે અઢી મહિના પહેલાં યોગેશે વસંતને ઘરે બોલાવી તેને માર માર્યો હતો. જે બાદમાં ગામમાં પંચાયત બેસાડી તેમની પુછપરછ કરતાં તેમની વચ્ચે કોઇ સંબંધ ન હોવાનું તેમણે જણાવ્યું હતું. સમગ્ર મામલા બાદ પણ યોગેશને શંકા હોઇ તે વસંતનો કાંટો કાઢવાની ફિરાકમાં હોવાનું ગ્રામજનોમાં ચર્ચાઇ રહ્યું હતું. અરસામાં વસંતની હત્યા થતાં હત્યાનો કારસો યોગેશે રચ્યોહોવાની પ્રાથમિક શંકાને આધારે યોગેશ અથવા તો અન્ય કોઇ શખ્સે વસંતની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી.
પત્ની સાથે મનભેદ સર્જાતાં મંદિરના ઓટલે સુતો હતો
યોગેેશની પત્ની સાથે વસંતને સંબંધ હોવાના મામલે ગામમાં પંચાયત બોલાવવામાં આવી હોવાની ઘટના બાદથી વસંત તેમજ તેની પત્ની તુલસી વચ્ચે પણ મનભેદ સર્જાયાં હતાં. જેને પગલે છેલ્લાં એકાદ મહિનાથી વસંત ગામના મંદિરના ઓટલા પર સૂતો હતો. બીજી તરફ ગુરૂપુર્ણિમાનિમિત્તે તેની પત્ની તુલસી પણ ગઇકાલે બપોરથી તેના બાળકો સાથે પિયરે જતી રહી હતી.