ભરૂચમાં હોળીકાના દહન સાથે અસત્ય પર સત્યના વધામણા લેવાયાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ, રાજપીપળા: ભરૂચ તથા નર્મદા જિલ્લામાં રવિવારે હોળીકા દહન સાથે અસત્ય પર સત્યના વિજયના વધામણા લેવામાં આવ્યાં હતાં.શ્રદ્ધાળુઓએ હોળીકામાં નારિયેળ, ધાણી, ચણા સહિતની સામગ્રી હોમીને સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. હોળી બાદ આજે રંગોત્સવ એવા ધુળેટીની ઉજવણી કરવામાં આવશે.

ભરૂચ-નર્મદામાં હોળી પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી

બંને જિલ્લાઓમાં રવિવારે શ્રધ્ધાપુર્વક હોળીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. અસત્ય અને કપટનો નાશ થાય અને અંતરમાં સત્ય રૂપી અગ્નિનો ઉજાસ પ્રગટો એવી પ્રાર્થના અને ભાવથી હોળીનો પ્રાચીન તહેવાર ઉજવાય છે. ભરૂચ - નર્મદા જિલ્લાના ગામોમાં લોકોએ વિશાળ કદની હોળીકા તૈયાર કરી હતી.  હોળી પ્રાગટ્યના સમયે મંત્રોચ્ચાર સાથે હોળીકા દહનની પ્રક્રિયા શરૂ કરાઇ હતી. ભાવિક ભક્તોએ સ્વજનો માટે સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની પ્રાર્થના સાથે હોળીકાની પ્રદક્ષિણા ફરી હોળીકામાં ધાણી ચણા ખજુર, ખોપરા વધાવી ધન્યતા અનુભવી હતી.

નારિયેળ, ધાણી, ચણા સહિતની સામગ્રીની હોળીમાં આહુતી અપાઈ

અંકલેશ્વર, હાંસોટ, વાગરા, આમોદ, જંબુસર, વાલીયા, ઝઘડીયા, નેત્રંગ, તિલકવાડા, સાગબારા, સેલંબા, કેવડીયા, રાજપીપળા સહિતના નગરોમાં પણ હોળી પર્વને ભકિતભાવથી મનાવવામાં આવ્યું હતું. ગામે ગામ હોળી પ્રગટાવી અસત્ય પર સત્યના વિજયના વધામણા લેવાયાં હતાં. ખેતરોમાં તૈયાર થયેલાં પાકની હોળીમાં આહુતિ આપવામાં આવી હતી. આજે સોમવારે રંગોના પર્વ ધુળેટીની ઉજવણી કરવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...