ભરૂચ: આજે રવિવારે સવારે અમે પરિવારના સૌ સભ્યો ઘરમાં હતાં તે વેળા સવારે 9 વાગ્યાના અરસામાં અેકદમ પંખા હલવા લાગ્યા અને મારી દોઢ વર્ષની પૌત્રી ઘરમાં ઉભી હતી તે ડોલવા લાગી અને નીચે પડી ગઇ. બે સેકન્ડ માટે ધરા ધ્રુજતી હોય તેવો અનુભવ કર્યો અને અમે બહાર નીકળી ગયાં આ શબ્દો છે દહેજના રામદેવ ફળિયામાં રહેતાં કાંતિભાઇ વસાવાના. રવિવારે રાજયના વિવિધ સ્થળોએ ધરતીકંપના આચંકા અનુભવાયાં હતાં અને ભરૂચના દરિયાકાંઠા વિસ્તારોમાં અમુક લોકોએ તેનો અનુભવ કર્યો હતો.
ભરૂચ જિલ્લામાં તેની ખાસ અસર જોવા મળી ન હતી
રાજયના સુરત, અમરેલી તથા બોટાદ સહિતના સ્થળોએ રવિવારે ભુકંપના હળવા આંચકા અનુભવાયાં હતાં. ભરૂચ જિલ્લામાં તેની ખાસ અસર જોવા મળી ન હતી પરંતુ દરિયા કિનારે આવેલાં દહેજ તથા હાંસોટમાં કેટલાંક લોકોએ બે સેકન્ડ માટે તેનો અનુભવ કર્યો હોવાનો દાવો કર્યો છે. દહેજના રામદેવ ફળિયામાં રહેતાં કાંતિભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, રવિવારે સવારે તેઓ દુકાન ખોલવાની તૈયારી કરી રહયાં હતાં. તે સમયે 9 વાગ્યાના અરસામાં અચાનક પંખા હલવા લાગ્યા અને મારી પોત્રી કૃતિ કે જે દોઢ વર્ષની છે તે ડોલવા લાગી અને જમીન પર પડી ગઇ.
સવારે ઘરમાં બેઠા હતાં તે વેળા અચાનક કંપારી જેવું લાગ્યું
બે સેકન્ડ માટે ધરતી ધ્રુજતી હોય તેવો અનુભવ થયો હતો. અમે જાળી ખોલી બહાર નીકળી ગયાં અને ધરતીકંપ આવ્યો તેવી બુમો પાડી જેથી ફળિયાના લોકો પણ બહાર દોડી આવ્યાં હતાં તેમ તેમણે ઉમેર્યું હતું. રવિવારે આવેલાં ધરતીકંપનો અનુભવ હાંસોટના કંટીયાજાળ ખાતે રહેતાં હસમુખ વસાવાએ પણ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તેઓ સવારે ઘરમાં બેઠા હતાં તે વેળા અચાનક કંપારી જેવું લાગ્યું હતું અને ઘરમાં રહેલો પંખો હલવા લાગ્યો હતો. બે સેકન્ડ માટે આવો અનુભવ થયો હતો. ભરૂચમાં ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તારમાં રહેતાં લોકોએ આંચકો અનુભવ્યો હતો.
આગળ વાંચો, નર્મદા બંધ ખાતે 4.7 ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો