તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચ: માતરિયા તળાવ છલોછલ છતાં પાણીના વલખા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ: ભરૂચ શહેરમાં માતરિયા તળાવ પાણીથી છલોછલ હોવા છતાં પાલિકા સત્તાધીશોને અમુક વિસ્તારોમાં ટેન્કરથી પીવાનું પાણી આપવાની ફરજ પડી રહી છે. અમલેશ્વર બ્રાંચ કેનાલમાંથી મળતો પાણી પુરવઠો બંધ થઇ જતાં શહેરમાં માત્ર એક જ ટાઇમ પાણી આપવામાં આવી રહયું છે. માતરિયા તળાવને પાણીના સંગ્રહ યોગ્ય બનાવે તો આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવી શકે તેમ છે છતાં વર્ષોથી માતરિયા યોજના ખોરંભે ચઢી છે.
 
રોજની 4 કરોડ લીટરની જરૂર સામે બોરમાંથી 2 કરોડ લીટર પાણી મળે છે
 
શહેરની 1.75 લાખની વસતિને પીવાનું પાણી પુરૂ પાડવા માતરિયા યોજના અમલમાં મુકવામાં આવી હતી. જે અંતર્ગત અમલેશ્વર બ્રાંચ કેનાલમાંથી પાણી મેળવી તેનો માતરિયા તળાવમાં સંગ્રહ કરવાનો હતો પરંતુ તંત્ર હજી સુધી તળાવને પાણીના સંગ્રહ યોગ્ય બનાવી શકયું નથી. હાલ કેનાલના પાણીને સીધુ અયોધ્યાનગર ફીલ્ટરેશન પ્લાન્ટમાં લાવવામાં આવે છે જયાં શુધ્ધ કરી પાઇપલાઇનથી પાણી વિવિધ ટાંકીઓ સુધી પહોંચાડવામાં આવે છે. માતરિયામાં પાણીના સંગ્રહની વ્યવસ્થા નહિ હોવાથી દર વખતે કેનાલમાંથી મળતું પાણી બંધ થાય છે ત્યારે શહેરીજનોને પાણીકાપનો સામનો કરવો પડે છે.
 
અત્યારે ડભોઇ નજીક કેનાલનું રીપેરિંગ ચાલતું હોવાથી છ દિવસ સુધી શહેરમાં એક ટાઇમ જ પાણી આપવામાં આવશે. રોજની 4 કરોડ લીટરની પાણીની જરૂરિયાત સામે બોરમાંથી માત્ર 2 કરોડ લીટર પાણી મળતું હોવાથી પુરવઠામાં 50 ટકાની ઘટ જોવા મળી રહી છે. પાણી પુરતા દબાણથી પહોંચતું નહિ હોવાને કારણે અમુક વિસ્તારોમાં ટેન્કરથી પાણી આપવાની ફરજ પડી રહી છે. માતરિયા તળાવ છલોછલ હોવા છતાં શહેરીજનોને પાણીના વલખા મારવા પડી રહયાં છે તે કડવી વાસ્તવિકતા છે.
 
કયાં વિસ્તારમાં ટેન્કરથી પાણી અપાય છે

પુષ્પાબાગ, બળેલી ખો, ચંદનચોક, ખરાડીવાડ, બરકતવાડ, એકતાનગર, રામનગર, પાંચહાટડી, ધોબીવાડ અને આલી
અન્ય સમાચારો પણ છે...