સ્ટેચ્યુ ઓફ યુનિટી અથવા નર્મદા ડેમથી આદિવાસીઓને કોઈ ફાયદો નથી: મહેશ વસાવા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજપીપળા: ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ સુધીની પૂર્વ પટ્ટી પર આદિવાસી સમાજની બહુલ વસ્તી છે. 2017 વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી કોંગ્રેસની નવસર્જન આદિવાસી યાત્રા બાદ ભારતીય જનતા પાર્ટીએ પણ આદિવાસી વોટ બેન્કને ધ્યાને રાખી આદિવાસી વિકાસ ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે. ત્યારે ભીલીસ્તાન ટાઇગર સેના પણ હવે આદિવાસી બંધારણીય અધિકાર યાત્રાની આજે રાજપીપળાથી  શરૂઆત થઇ હતી.

 

BTS ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડિયાપાડાના માજી ધારાસભ્ય મહેશ વસાવાએ  આજે રાજપીપળાના કાળા ઘોડાથી પ્રસ્થાન કરાવી હતી.તેમની સાથે BTS ના વિદ્યાર્થી સંગઠન પ્રમુખ પ્રફુલ્લ વસાવા સહીત આસપાસના ગામોના કાર્યકરો જોડાયા હતા.આ યાત્રા અઠવાડિયામાં એક દિવસ જાહેર સભા કરશે અને બાકીના દિવસોમાં અંતરિયાળ ગામો ખૂંદી વળી ભાજપની આદિવાસીઓ પ્રત્યે કેવી નીતિ છે તેનો પર્દાફાશ કરશે.

 

રાજપીપળાથી યાત્રાને પ્રસ્થાન કરાવતી વેળાએ BTS ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડિયાપાડાના માજી ધારાસભ્ય મહેશ વસાવાએ જણાવ્યું હતું કે ભાજપની જુઠ્ઠી આદિવાસી વિકાસ ગૌરવ યાત્રાની પોલ ખોલવા અમે આ યાત્રા ઉપાડી છે. ભારતીય જનતા પાર્ટીથી આદિવાસી સંસ્કૃતિ અને અસ્મિતાને ખતરો ઉભો થયો છે. 

 

ભાજપની યાત્રા બાદ આદિવાસી વિસ્તારમાં જે જુઠ્ઠા અને ગંદા વિચારો જન્મશે જેની સાફ સફાઈ BTS ની યાત્રા કરશે.વરસોનાં શાસનમાં ભાજપ કોંગ્રેસે આદિવાસીઓનો કોઈજ વિકાસ કર્યો નથી.સરદાર સરોવર ડેમ તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સ્થાનિક આદિવાસીઓને કોઈ ફાયદો થયો નથી.સ્થાનિકોના  વિકાસનો પ્રશ્ન હોઈ કે વિસ્થાપિતોનો પ્રશ્ન,અમે ઉકેલમાટે પૂરો પ્રયત્ન કરીશુ. ગુજરાત વિધાનસભાની આગામી 2017 ની ચૂંટણીને લઈને દરેક રાજકીય પાર્ટીએ આદિવાસી વોટબેન્ક પર નજર દોડાવી છે ત્યારે સફળતા કોને મળશે એ તો સમયજ બતાવશે.

 

તસવીરો: પ્રવીણ પટવારી

અન્ય સમાચારો પણ છે...