ભરૂચ: માનવીની લાગણીઓની કોઇ સીમા નથી. એક તરફ માનવી - માનવી વચ્ચે લાગણીઓનો અભાવ જોવા મળે છે ત્યારે કેટલીંક વેળાં માનવી પોતાના પશુઓ સાથે માનવી કરતાં પણ વધુ લાગણીથી જોડાયેલાં હોય છે. ભરૂચ શહેરના રાવ પરિવારમાં પરિવારના સભ્ય તરીકે રહેતાં શ્વાનના મૃત્યુ બાદ પરિવારજનોએ તેની અંતિમ વિધી કોઇ પરિજનની અંતિમ ક્રિયાની જેમ જ કરવામાં આવી હતી. માત્ર પરિવારજનો જ નહીં પરંતુ સોસાયટીના સભ્યો પણ શ્વાનની અંતિમ યાત્રામાં જોડાયા હતાં.
શ્વાન પરિવારનો એક ભાગ બની ગયો
ભરૂચ શહેરમાં આજે સોમવારે અનોખો કિસ્સો બન્યો હતો. શહેરમાં આવેલાં અતિથી બંગ્લોઝમાં રહેતાં બિઝનેસમેન વાય. વી. રાવે પાંચ વર્ષ પહેલાં એક શ્વાનને પાળ્યો હતો જેને તેમણે માર્શલ નામ રાખ્યું હતું. સમય જતાં માર્શલે પરિવારના સભ્યો સાથે લાગણીઓથી બંધાઇ જતાં એક તબક્કે માર્શલ તેમના પરિવારનો જ એક સભ્ય બની ગયો હતો. પરિવારજનો માટે પણ તે એક પશુ નહીં પરંતુ ઘરના અન્ય સદસ્યોની જેમ જ પરિવારનો એક ભાગ બની ગયો હતો. બીજી તરફ માર્શલ સોસાયટીના અન્ય પરિવારજનો સાથે પણ પ્રેમાળ રીતે મળતો હોઇ સોસાયટીના રહિશો પણ તેની સાથે લાગણીઓથી જોડાયાં હતાં.
શ્વાનને એક માનવીની જેમ અંતિમ વિદાય આપી
છેલ્લાં કેટલાંક સમયથી તે કોઇ બિમારીમાં સપડાતાં આજે સોમવારે તેનું માંદગીના કારણો મોત થયું હતું. માર્શલના મૃત્યુની જાણ થતાં જ પરિવારજનોએ જાણ પોતાનું કોઇ સ્વજન ગુમાવ્યુ હોય તેમ આક્રંદ કર્યું હતું. આસપાસના રહિશોની આંખો પણ માર્શલના મૃત્યુને પગલે ભીંજાઇ ગઇ હતી. રાવ પરિવારે તેમના શ્વાનને એક માનવીની જેમ અંતિમ વિદાય આપી હતી. પરિવારજનોએ માર્શલના મૃતદેહની બ્રાહ્મણ દ્વારા શાસ્ત્રોક્ત રીતે અંતિમ વિધી કરી તેને એમ્બ્યુલન્સ મારફતે સ્મશાન યાત્રા કાઢી તેની દફન વિધી કરી હતી.