ભરૂચ: ભરૂચ અને નર્મદા જિલ્લામાં ગુરુપૂર્ણિમાએ દિવસભર મેઘરાજાએ વાદળોના ગડગડાટ વચ્ચે ધીમી ધારે વરસી આકાશમાંથી હેત વરસાવ્યાં બાદ રાતે ધમાકેદાર એન્ટ્રી કરતા હવે ચોમાસુ જામ્યુ હોવાની લાગણી સાથે ખેડૂતોનાં હૈયે ટાઢક વળી હતી. સતત બે કલાકથી એકધારા વરસી રહેલા વરસાદનાં કારણે ભરૂચ શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા.
મૌસમમાં પહેલી વખત મેઘરાજાએ મનમૂકીને વરસવાનું શરૂ કરતા ખેડૂતોનાં હૈયે ટાઢક વળી
ભરૂચ શહેરમાં મંગળવારે સવારથી ચોમાસાના જામેલા માહોલ વચ્ચે વાદળોનાં ગડગડાટ સાથે ઝરમરીયા રૂપે મેહુલિયો વરસ્યો હતો. જયારે ઝઘડિયા-નેત્રંગમાં ધોધમાર વરસાદ વરસી પડતા મુખ્ય માર્ગો-નીચાણવાસ પાણીથી છલકાઇ ઉઠયાં હતા. મંગળવારે પણ વહેલી સવારથી ભરૂચ શહેર અને જિલ્લાનાં આકાશમાં વાદળોની ફોજ ઘેરાઇ આવી હતી. વાદળોના ગડગડાટ સાથે ધીમી ધારે વરસાદે વરસવાનું શરૂ કરતા ખેડૂતો અને પ્રજાને હવે મેઘરાજા તૂટી પડશે તેવી આશ બંધાઇ હતી. રાતે ભરૂચ અને નર્મદા જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા જોતજોતામાં રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા.
સિવિલ રોડ સહિત સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાતા
મૌસમમાં પહેલી વખત મેઘરાજાએ મનમૂકીને વરસવાનું શરૂ કરતા ખેડૂતોનાં હૈયે ટાઢક વળી હતી. ભરૂચ શહેરમાં કસક ગરનાળા, પાંચબત્તી, સેવાશ્રમ રોડ, સિવિલ રોડ સહિત સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાતા ગૌરીવ્રત અને ગુરુપૂર્ણિમાએ વાહનચાલકો અટવાયા હતા. રાજપીપળામાં ધોધમાર વરસાદ તૂટી પડતા મુખ્યમાર્ગો અને નીચાણવાળા વિસ્તારો પાણીથી તરબોળ થઇ ઉઠયાં હતા. બન્ને જિલ્લામાં વરસી રહેલા બેઠા વરસાદનાં કારણે વીજળી વેરણ નહિ બનતા પ્રજાએ હાશકારો અનુભવ્યો હતો. ઝઘડિયા અને નેત્રંગ તાલુકામાં સવારથી જ ધોધમાર વરસાદ તૂટી પડતા મુખ્ય માર્ગો-નીચાણવાળ વિસ્તારો પાણીથી તરબોળ થયા હતા. બન્ને તાલુકામાં 12 કલાકમાં 1 ઇંચ વરસાદ વરસી પડતા ખેડૂતોને પણ રાહત સાંપડી હતી.
આગળ વાંચો, દિવસ-રાત્રિનાં તાપમાનમાં માત્ર 2 ડિગ્રીનો તફાવત