તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચ: બે દિ’ પહેલા થઇ બોલાચાલી, કોર્પોરેટરના પતિનો ટ્રાફિક માર્શલ પર હૂમલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ: ઝાડેશ્વર ચોકડી પાસે ફરજ બજાવી રહેલાં એક ટ્રાફિક માર્શલ સાથે બે દિવસ પહેલાં થયેલી બોલાચાલીની રીસ રાખી આજે શનિવારે ભરૂચ નગરપાલિકાની મહિલા કોર્પોરેટરના પતિ સહિત બે શખ્સોએ ટ્રાફિક માર્શલ પર હૂમલો કરી માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્ત ટ્રાફિક માર્શલને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

બે દિવસ પહેલાં થયેલી બોલાચાલીની રીસ રાખી માર માર્યો

ભરૂચ શહેરના કસક ગુરૂદ્વારા પાસે રહેતો ભદ્રેશ બ્રીજલાલ પટેલ બીટીઇટીમાં ટ્રાફિક માર્શલ તરીકે ફરજ બજાવે છે. બે દિવસ પહેલાં ભદ્રેશ પટેલ ઝાડેશ્વર ચોકડી વિસ્તારમાં ટ્રાફિક નિયમનનું કામ કરી રહ્યો હતો. તે વેળાં એક પીકઅપ જીપના ચાલકે પોતાની જીપ તેની પાસે લઇ જઇ તેના પગ પાસેથી લઇ જતાં ભદ્રેશે તેને ટોકી તેને વાહન વ્યવસ્થિત રીતે ચલાવવા માટે જણાવતાં પીકઅપ જીપના ચાલકે તેની સાથે બોલાચાલી કરી હતી. જીપ અનિલ કોન્ટ્રાક્ટરની છે તેવી ડંફાસ મારી તેણે ભદ્રેશ સાથે અપશબ્દો ઉચ્ચારતાં તેમની વચ્ચે તુતુમેમે થઇ હતી. જોકે બાદમાં અન્ય પોલીસ કર્મીઓ આવી જતાં પીકઅપ જીપનો ચાલક ગર્ભિત ધમકીઓ આપી ત્યાંથી જતો રહ્યો હતો.

માર મારી ઇજાઓ પહોંચાડી ધાકધમકીઓ આપી

દરમિયાન આજે શનિવારે ભદ્રેશ નિત્યક્રમ મુજબ ઝાડેશ્વર ચોકડી પાસે જૂના પુલ નજીક વાહન વ્યવહારના નિયમનનું કામ કરી રહ્યો હતો. તે વેળાં ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 6ના મહિલા કોર્પોરેટરના પતિ અને હિન્દુ મહાસભાના પ્રમુખ તથા ભાજપના અગ્રણી નેતા એવા અનિલ માછીપટેલે અન્ય બે શખ્સો સાથે ત્યાં આવી પહોંચી ભદ્રેશ સાથે ઝઘડો શરૂ કરી દીધો હતો. ભદ્રેશ કાંઇ સમજાવે તે પહેલાં જ અનિલ માછીપટેલ તેમજ તેના બે સાગરિતોએ તેને માર મારી ઇજાઓ પહોંચાડી ધાકધમકીઓ આપી ત્યાંથી જતાં રહ્યાં હતાં. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં કાર્યવાહી હાથ ધરી છે.

ટ્રાફિક માર્શલ પર હૂમલો નિંદનિય છે

બીટીઇટી સંસ્થાના ટ્રાફિક માર્શલના જવાનો ટ્રાફિક નિયમન માટે સતત ખડા પગે રહીને સેવા આપી રહ્યાં છે. ટ્રાફિક જામના સમયમાં અેક એક ટ્રાફિક માર્શલ ટ્રાફિક હળવો કરવા 16-16 કલાક સુધી ફરજ બજાવતો હોય છે. ત્યારે તેના ઉપર હૂમલો કરવાની બાબત નિંદનિય છે. ટ્રાફિક માર્શલ બાબતે કોઇ પણ પ્રકારની સમસ્યા હોય તો જેને પોલીસ અધિકારી કે બીટીઇટી સંસ્થાને ફરિયાદ કરવામાં આવે તો તેની ચોક્કસ તપાસ કરી કડક પગલાં ભરવામાં કોઇ કચાશ રાખવામાં આવતી નથી. જોકે ટ્રાફિક માર્શલ ઉપર કોઇ પણ સંજોગોમાં હૂમલો કરવાની બાબત અન્ય લોકોને દુષ્પ્રેરણા આપી શકે છે. > અનીસ પરીખ, પ્રમુખ, બીટીઇટી, ભરૂચ.
અન્ય સમાચારો પણ છે...