ભરૂચ: તેજ પવનો ફૂંકાતાં કેળના પાક પર ખતરો, બચાવવા ખેડૂતોમાં દોડધામ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ: આકરી ગરમી, સૂકીભઠ નર્મદામાં ખારાજળ, અપૂરતી વીજળી બાદ ભરૂચ અને નર્મદા જિલ્લાનાં ખેડૂતો ઉપર પવનરૂપી વધુ એક આફત મંડરાતા 900 હેકટરથી વધુમાં કેળના પાક પર ખતરો ઉભો થયો છે. 25 કિમીની ઝડપે ફૂંકાઇ રહેલા પવાનોને કારણે કેળનાં પાક નમી જવા કે તૂટી પડતા ખેડૂતો ચિંતામાં ગરકાવ થઇ ગયા છે. નૈઋત્ય દિશામાંથી બુધવારે પ્રતિ કલાકે 25 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા તેજ પવનોને કારણે ભરૂચ અને નર્મદા જિલ્લામાં કેળ નમી જતાં હાલત કફોડી બની ગઇ હતી. કેળને તેજગતિએ ફૂંકાતા પવનો સામે રક્ષણ આપવા ખેડૂતો દોડતા થઇ ગયા હતા.
બન્ને જિલ્લામાં હાલ 900 હેકટરથી વધુમાં કેળનો પાક રહેલો છે. અગાઉ આકરી ગરમી, નર્મદાનાં ખારા નીર અને સિંચાઇ માટે 10 કલાક વીજળી નહિ અપાતા કેળનાં પાકને નુકસાન થતા ખેડૂતોએ ઓછો ઉત્પાદનનો ફટકો સહન કરવાનો વારો આવ્યો હતો. કેળ સાથે જ ભારે પવનનોને કારણે પપૈયા સહિત 40 ટકા બાગાયત પાકોને નુકસાન જવાની ભીતિ જિલ્લા ખેડૂત સમાજે વ્યક્ત કરી હતી. છેલ્લા એક સપ્તાહથી જિલ્લામાં સરેરાશ 12 થી 18 કિમીની ઝડપે પવનો ફૂંકાઇ રહ્યાં છે. બુધવારે પવનની ગતિ વધીને 25 કિમી પ્રતિ કલાકની થતા રાહદારીઓને મુશ્કેલી થઇ હતી.
ઝઘડિયા પંથકમાં જ 45 લાખનું નુકસાન
ઝઘડિયા પંથકમાં જ 1500 એકરમાં કેળનો પાક હાલ રહેલો છે. અગાઉ આકરી ગરમી અને હવે છેલ્લા ત્રણ-ચાર દિવસથી તેજગતિએ ફૂંકાઇ રહેલા પવનોને કારણે કેળની લૂમો થડ સહિત પડી જવાથી રૂ. 40 થી 45 લાખનું ખેડૂતોને નુકસાન થયુ છે. આ પટ્ટા પર મોટા ભાગે એકસપર્ટ કવોલિટીનાં કેળાનું ઉત્પાદન થાય છે. હવે આ નવી ઉપાધી આવતાં ખેડૂતોના માથે ચિંતાનાં વાદળો છવાઈ ગયાં છે. - જયેન્દ્રસિંહ પરમાર, ચેરમેન, નર્મદા ફ્રૂટ એન્ડ વેજીટેબલ મંડળી
ભારે પવનોથીગરમીનો પારો 10 ગગડયો
ભારે પવનોને પગલે બુધવારે ભરૂચ જિલ્લામાં ગરમીનો મહત્તમ પારો 1 ડિગ્રી ગગડી 37 ડિગ્રી નોંધાયો હતો. જયારે રાત્રિ તાપમાન હજી પણ 29 ડિગ્રી જેટલુ ઊંચુ રહેતા લોકો ઘરમાં અહસ્ય ઉકળાટથી પરસેવે રેબઝેબ થઇ રહ્યાં છે. સવારે ભેજનું પ્રમાણ 71 ટકા જયારે બપોરે 42 ટકા રહ્યું હતું. હજી પણ એક સપ્તાહ સુધી જિલ્લામાં ચોમાસાનું આગમન નહિ થાય તેવી શકયતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
25% કેળનો પાક પહેલાથી જ નષ્ટ થઇ ગયો
અગાઉ ઉનાળાની કાળઝાળ ગરમી, અપુરતુ અને ખારાશયુક્ત પાણી સાથે 10 કલાક વીજળી નહિ પાક ટકાઉ શક્તિ નહિ રહેતા ઉથલી પડયો હતો. જે બાદ હવે છેલ્લા ચાર-પાંચ દિવસથી તેજગતિએ ફૂંકાતા પવનોને કારણે રહ્યો સહ્યો કેળનો પાક પણ નમી પડવો કે થડમાંથી તૂટી પડવાનાં બનાવો બની રહ્યાં છે. - નિકુલ પટેલ, પ્રમુખ, જિલ્લા ખેડૂત સમાજ
ફૂંકાતા પવનો સામે કેળને સાચવવી મુશ્કેલ
જિલ્લામાં તેજગતિએ ફૂંકાઇ રહેલા પવનો સામે હવે ખેડૂતોએ કેળને સાચવવી મુશ્કેલ બનશે. જે ખેડૂતે પહેલાથી આયોજન કર્યુ હશે તે કેળનાં છોડને નમી જતા કે તૂટી પડતા અટકાવી શકશે. જયારે કેરીનો પાક તો ઉતરી ગયો હોય તેને કોઇ નુકસાન થાય નહિ. કેળ સાથે પપૈયાના પાકને પણ ભારે પવનોનાં કારણે નુકસાની થઇ શકશે. - મુકેશ પટેલ, સહ સંશોધક વૈજ્ઞાનિક
અન્ય સમાચારો પણ છે...