અણઘડ નિર્ણય/ ભરૂચ સિવિલ હોસ્પિ.ના સર્જનને PMના કાર્યક્રમ માટે મોકલાતા 8 દર્દીઓના ઓપરેશન અટવાયાં

Divyabhaskar.com

Dec 19, 2018, 12:45 AM IST
In Bharuch, the doctors stuck operation of 8 patients sent for PM program

* સરકારના અણઘડ નિર્ણયથી ગરીબ દર્દીઓને દર્દથી કણસવાનો વારો આવ્યો

* ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરાવી શકે તેટલા નાણા પરિવારો પાસે નથી

ભરૂચ: કેવડીયામાં વડાપ્રધાનના કાર્યક્રમ માટે ભરૂચની સિવિલ હોસ્પિટલના એક માત્ર ઓર્થોપેડીક સર્જનને મોકલી આપવામાં આવતાં હોસ્પિટલમાં 8 દર્દીઓના ઓપરેશન અટવાય પડયાં છે. સરકારના અણઘડ નિર્ણયના કારણે દર્દથી કણસવાનો વારો આવતાં તેમનામાં રોષ જોવા મળી રહયો છે. દર્દીઓને ઓપરેશન માટે વડોદરા કે સુરતની સિવિલ અથવા ખાનગી હોસ્પિટલમાં જવાનું જણાવી દેવાયું છે પણ ગરીબ દર્દીઓ પાસે નાણા જ નથી. વીવીઆઇપીના કારણે સામાન્ય માણસને કેટલી હાલાકી ભોગવવી પડે છે તેનો તાદ્રશ નમુનો ભરૂચ સિવિલ હોસ્પિટલમાં જોવા મળ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 થી 22 સુધી કેવડીયામાં આયોજીત ડીજી કોન્ફરન્સમાં હાજરી આપવા માટે આવી રહયાં છે.

દર્દીઓ દર્દથી કણસી રહયાં છે પણ તેમનું દર્દ સરકાર સુધી પહોંચતું નથી

તેમના આરોગ્યની કાળજી માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાંથી એક જનરલ સર્જન અને ફીઝીશીયન જયારે ભરૂચ સિવિલમાંથી એક એન્સથેસીયા સ્પેશિયાલીસ્ટ તેમજ ઓર્થોપેડીક સર્જનને કેવડીયા ખાતે ડયુટી સોંપવામાં આવી છે. ભરૂચ સિવિલના એક માત્ર ઓર્થોપેડીક સર્જનને કેવડીયા મોકલી દેવાતાં આઠ દર્દીઓના ઓપરેશન અટવાઇ પડયાં છે. રાજય સરકારના અણઘડ નિર્ણયથી દર્દીઓને દર્દથી કણસવાનો વારો આવ્યો છે. તેમને સિવિલ સત્તાધીશોએ ઓપરેશન તાત્કાલીક કરાવવા હોય તો વડોદરા કે સુરતની સિવિલ અથવા ખાનગી હોસ્પિટલમાં જવાનું જણાવી દીધું છે. પરંતુ જો આ દર્દીઓ પાસે પુરતા નાણાની સગવડ હોત તો તેમને સિવિલમાં સારવાર લેવાની ફરજ જ ન પડી હોત. હાલ તો આ દર્દીઓ દર્દથી કણસી રહયાં છે પણ તેમનું દર્દ સરકાર સુધી પહોંચતું નથી. આ બાબતે સિવિલ સત્તાધીશોનો સંપર્ક કરતાં તેમણે કંઇ પણ કહેવાનો ઇન્કાર કરી દીધો હતો.

સાત દિવસથી સારવાર હેઠળ છું પણ ઓપરેશન અટકી પડ્યું

ઘરમાં કામ કરતી વેળા પડી જવાથી મારા પગમાં ફેકચર થતાં સિવિલમાં સાત દિવસથી સારવાર લઇ રહયો છું. મારા પગમાં ઓપરેશન કરી શસ્ત્રક્રિયાથી સળિયા નાંખવાના છે. મારા ઓપરેશનનો સમય આવ્યો ત્યારે જ તબીબને બહાર જવાનું થયું છે. મને ખુબ દર્દ થાય છે. ખાનગી હોસ્પિટલમાં જવાના મારી પાસે પૈસા નથી. - બાલુ ધનજી પરમાર, રહે. અસા, તાલુકો, ભરૂચ

મારા નાના બાળકોને સસરા પાસે મુકીને આવ્યાં છે
અમે મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ. કામ કરતી વેળા પડી જવાથી મારા પગમાં ફ્રેકચર થયું છે. અમે અમારા નાના સંતાનોને સસરા પાસે સાચવવા મુકીને આવ્યાં છે. એક સપ્તાહથી સારવાર ચાલી રહી છે. અમારી પાસે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટેના નાણા નથી. ડોકટર તો ઓપરેશન કરવાનું કહે છે પણ તેમને બહાર જવાનું થયું છે. - સુરેશ બુધા વસાવા, રહેવાસી, અંકલેશ્વર

હાડકાના વિભાગમાં રોજના 150 દર્દીઓ આવે છે
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડીક સર્જનનું એક મહેકમ મંજૂર થયેલું છે. હોસ્પિટલમાં સોમવાર, બુધવાર અને શુક્રવારના રોજ ઓપીડી અને મંગળવાર, ગુરૂવાર અને શનિવારના રોજ દર્દીઓના ઓપરેશન કરવામાં આવે છે. રોજના 150થી વધારે દર્દીઓ હાડકાના વિભાગમાં સારવાર માટે આવતાં હોય છે.

મંગળવારે અટવાયેલા દર્દીઓ
* બાલુ ધનજી પરમાર, રહે. અસા
* ગોવિંદ દેવજી રોહિત, રહે. વસ્તીખંડાલી
* સુરેશ બુધા વસાવા, રહે. અંકલેશ્વર
* શ્રીકૃષ્ણ ગજાનંદ કોલટે, રહે. મહારાષ્ટ્ર
* રામઅવસર, રહે. યુપી
* રણછોડ માધવ વાઘેલા, રહે. અંદાડા
* અમિત દેવજી વસાવા, રહે. ઝઘડીયા
* નિકુલ ઠાકોર રાઠોડ, રહે. અંકલેશ્વર
* વિશાખા મનોહર વર્મા, રહે. અંકલેશ્વર

X
In Bharuch, the doctors stuck operation of 8 patients sent for PM program
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી