વડદલાની ક્વિન ઓફ એન્જલ્સ સ્કૂલે આખરે RTE હેઠળ પ્રવેશ આપ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ તાલુકામાં આવેલાં વડદલા ગામની ક્વિન ઓફ એન્જલ્સ સ્કૂલના સંચાલકો દ્વારા આરટીઇ હેઠળ બાળકોને પ્રવેશ આપવાનો ઇન્કાર કર્યો હતો. શાળા સંચાલકોએ તેમની શાળા લઘુમતિ સ્કૂલ હોઇ તેમાં પ્રવેશ આપી શકાય નહીં તેવી અડોડાઇ કરતાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ગાંધીનગર ખાતેથી સમગ્ર મામલામાં માર્ગદર્શન મેળવી શાળા સંચાલકો સામે કાર્યવાહી હાથ ધરતાં આખરે શાળા સંચાલકોએ બાળકોને પ્રવેશ આપતાં વાલીઓને રાહત થઇ હતી.

ભરૂચ જિલ્લામાં હાલમાં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે આરટીઇ હેઠળ પ્રવેશ મેળવનારા બાળકોને પ્રવેશ આપવામાં કેટલીંક શાળાઓ આનાકાની કરી રહી છે. તેમાં વડદલા ગામની અને છાસવારે વિવાદોમાં આવેલી ક્વિન ઓફ એન્જલ્સ શાળાએ આરટીઇ હેઠળ પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો ઇન્કાર કરી દેતાં વાલીઓ અટવાયાં હતાં. શાળા સંચાલકોએ તેમની શાળા લઘુમતી શાળા હોઇ તેમાં આરટીઇ હેઠળ પ્રવેશ આપી ન શકાય તેમ વાલીઓને જણાવી તેમને પ્રવેશ આપવાનું ટાળતી હોઇ 10થી વધુ વાલીઓએ ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે. પી. પટેલને લેખિતમાં રજૂઆત કરી હતી. વિદ્યાર્થીઓનો શિક્ષણનો હક્ક સાથે શાળા છીનવી રહી હોઇ તેમણે શાળા સંચાલકોને નોટીસ આપવા સાથે સમગ્ર પ્રકરણમાં ગાંધીનગર શિક્ષણ વિભાગમાંથી માર્ગદર્શન મેળવ્યું હતું. જે બાદ શાળા સંચાલકો સાથે ખાસ મિટીંગ કરી જો વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળે તો શાળાની માન્યતા રદ કરવા સહિતની ચર્ચા કરતાં આખરે શાળા સંચાલકોએ બાળકોને પ્રવેશ આપવાની કવાયત હાથ ધરી હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા કરાયેલી ત્વરીત કવાયતને પગલે વિદ્યાર્થીઓને પ્રવેશ મળી જતાં વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...