ભૂગર્ભ ગટરનું દુષિત પાણી પીવાના પાણીની લાઇનમાં મિશ્રિત થયું હતું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જંબુસરની ડાભા ચોકડી વિસ્તારમાં પીવાના પાણીના નળમાંથી મળ નીકળતાં લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. ધીમી ગતિએ ચાલતી પાલિકા શુક્રવારે એકશનમાં આવતાં ભૂગર્ભ ગટરના પાણી પીવાના પાણી સાથે મિશ્રિત થતા હોવાનો ફોલ્ટ મળી ગયો હતો. પાલિકાએ લિકેજ તો બંધ કરી દીધું છે પણ સમારકામ થતાં સુધી સ્થાનિકોને પાણી નહીં મળે એટલે તેમણે વેચાતું પાણી પીવું પડશે. જંબુસરના ડાભા ચોકડીથી વડોદરા રોડ પર આવેલી પ્રિતમ પાર્ક સોસાયટી, તવક્કલ સોસાયટી, ચાંદ પીર સોસાયટી, મિલ્લત નગર, કિસ્મત નગર, પોલીસ લાઈન વિસ્તારમાં પીવાના પાણીમાં મળ નીકળતાં લોકો રોષે ભરાયા હતાં. શુક્રવારે અધિકારીઓ દોડતા થઇ ગયા હતાં. પાલિકાના વોટર વર્કસ વિભાગની ટીમે શોધખોળ કરતાં ફોલ્ટ મળ્યો હતો. તેને તુરંત જ બંધ કરી દેવામાં આવ્યો હતો.પાલિકાના વોટર વર્કસના સુપરવાઇઝર એમ.કે. મકવાણાએ જણાવ્યું કે, અમે વિસ્તારની મુલાકાત લઇ શોધતા ફોલ્ટ મળી ગયો હતો. આ જગ્યાનું ખોદકામ કરી લિકેજ બંધ કરી દીધું હતું. સમારકામ નહીં થાય ત્યાં સુધી આ વિસ્તારનું પાણી આપવાનું બંધ રાખ્યું છે.

અન્ય સમાચારો પણ છે...