તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શુક્લતીર્થ મેળામાં જોઈએ તેટલી રંગત હજી જામી નથી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ તાલુકાના યાત્રાધમ શુક્લતીર્થ ખાતે યોજાતા ભાતીગળ મેળામાં બીજા દિવસે પણ જોઈએ તેટલાં પ્રમાણમાં લોકો જોવા મળ્યા નહોતા. જોકે બે દિવસ પૂર્વે થયેલા વરસાદી માહલને પગલે જાત્રાળુઓની પાંખી હાજરી એક તબક્કે ચિંતાજનક રહી હતી. હવે જિલ્લામાંથી વરસાદે વિરામ લેતાં રવિવારથી મેળામાં લોકોની ભીડ થવાની શક્યતા જણાય રહી છે. મઢીથી શુક્લતીર્થ વચ્ચેના હોડી ઘાટ ઉપર પણ હજી લોકોની અવર જવર નહીવત રહેતાં 11 તારીખથી હોડીનું નિયમિત સંચાલન કરવામાં આવશે.

ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ખાતે નર્મદા નદીના કાંઠે યોજાતા કારતકી પૂર્ણિમાના મેળામાં બીજા દિવસે પણ જાત્રાળુઓની સંખ્યા નહિવત્ત જણાયી હતી. સ્ટોલ ધારકો હજી મીટ માંડીને બેઠા છે. જોકે, શનિવારની રાત્રિ અને રવિની રજા ઉપર સૌની મીટ મંડાયેલી હતી. આમ તો તેરસની તીથિએથી પૂનમ સુધી મેળાની રંગત જામતી હોય છે. તેરસથી મેળો મ્હાલવા આવતા લોકોની ભીડ જામશે. મેળામાં રાત્રિનાં સમયે પણ આસપાસનાં ગામોમાંથી લોકોની ભીડ જામતી હોય છે.

શુકલતીર્થના મેળા માટે એસટી વિભાગે 30 બસો ફાળવી
શુક્લતીર્થનાં મેળામાં જવા માટે ખાસ કરીને છેલ્લા ત્રણ દિવસ વધુ ભીડ જોવા મળતી હોય છે. જેને લઈને ભરૂચ એસટી વિભાગ દ્વારા મેળા માટે વિશેષ 30 બસો ફાળવી છે. જે પૈકી મીની બસોનું સંચાલન રેલવે સ્ટેશન ખાતેથી કરવામાં આવશે. જ્યારે મોટી બસો ભોલાવ ખાતેથી દોડાવવામાં આવશે. 11થી 13 નવેમ્બર દરમિયાન આ વિશેષ બસોનું સંચાલન કરવામાં આવશે. મેળામાં ટ્રાફિકની સમસ્યા અને પાર્કિંકની સમસ્યામાંથી મુક્તિ મળે અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુસર વધુને વધુ લોકોને એસટી બસોનો ઉપયોગ કરવાની પણ એસટી વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.

મેળાની ખાસિયત
શુક્લતીર્થ ખાતે યોજાતા મેળામાં આસ-પાસનાં અને ગામનાં લોકો પાંચ દીવસ સુધી તંબુ તાણીને રહેવા માટે આવતા હોય છે. જ્યાં લોકો તમામ ઘરવખરી લઈને વસવાટ કરતા હોય ગામ અને ફળિયા જેવો મહોલ ઊભો કરવામાં આવે છે. ખાસ કરીને પાટીદાર સમાજનાં લોકો આ પરંપરાને વર્ષોથી અનુસરી રહ્યા છે. તેની પાછળની એક લોકવાયકા એવી પણ છે કે, આ મેળામાં યુવક-યુવતીની લગ્ન માટે પસંદગીની પરંપરા ચાલી આવે છે. જેને આજે પણ લોકો અનુસરી રહ્યા છે.

શુક્તતીર્થ મંદિરનું મહત્ત્વ
ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામે સ્વયંભૂ ઓમકારનાથ વિષ્ણુ ભગવાન હૂંકારતીર્થ તેમજ શુક્લેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. પુરાણોમાં શુક્લતીર્થને પંચતીર્થ તરીકે ઓળખવામાં આવતું હતું. તેમના પ્રાગટ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે આ ભાતીગળ મેળાનું આયોજન કરવામાં આવે છે. પાંચ દિવસ સુધી ચાલતી જાત્રામાં ભરૂચ શહેર- જિલ્લા સિવાય રાજ્યભરમાંથી લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડે છે. શ્રદ્ધાળુઓ અહીં નર્મદા સ્નાન કરી ભગવાનના દર્શનનો લ્હાવો લે છે.

અન્ય સમાચારો પણ છે...