શાળાઓની જમીનોની માપણી દબાણો અને વેરાનો હિસાબ થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભરૂચના પોશ વિસ્તાર ઝાડેશ્વરના બાળકોને સ્થાનિક શાળાઓ પ્રવેશ નહીં આપતાં ગ્રામ પંચાયતમાં ઠરાવ કરવો પડયો હતો. શુક્રવારે ફરી મળેલી ગ્રામસભામાં સભ્યો લડાયડ મૂડમાં જણાયા હતાં. તેમણે બાળકોના એડમીશન રીજેક્ટ કરનાર શાળાઓની જમીનની માપણી કરવા તેમજ તેમાં દબાણ હોય તો તેને તોડવાની કાર્યવાહી કરવાનો ઠરાવ કર્યો હતો. એટલું જ નહીં શાળા સંચાલકોને ગ્રામસભામાં હાજર રહેવા તેડું મોકલશે અને જો સંચાલકો નહીં આવે તો પંચાયતના સભ્યો સામેથી તેમને મળવા જશે. પંચાયતના આકરા વલણને લઇ આગામી દિવસોમાં શાળાઓ અને પંચાયત વચ્ચે નવાજૂની થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.

ભરૂચના ઝાડેશ્વરમાં 25 હજાર લોકો રહે છે. આ વિસ્તારમાં 5 ખાનગી શાળાઓ આવેલી છે. તેમાંની કેટલીક શાળાના સંચાલકો સ્થાનિક બાળકોના એડમીશન રીજેકટ કરી બહારના લોકોના બાળકોને પ્રવેશ આપી રહી છે. તેવા આક્ષેપો સાથે ગ્રામજનોએ સભા કરી એડમીશનમાં સ્થાનિક બાળકોને પ્રાથમિકતા આપવા ઠરાવ કર્યો હતો અને તેની નકલ તમામ શાળાઓને મોકલી આપી છે. જોકે, શાળા સંચાલકોએ પંચાયતને દાદ નહીં આપતાં શુક્રવારે ફરીવાર ઝાડેશ્વરમાં ગ્રામસભા મળી હતી. પંચાયતના સભ્યોએ શાળા સંચાલકો સામે આક્રોશ વ્યકત કર્યો હતો. તેમણે તમામ શાળાઓની જમીનની માપણી કરાવવાનો ઠરાવ કર્યો હતો. આ જમીન કોની માલિકીની હતી ? કેટલી જમીન આપેલી હતી ? આ જમીનમાં કેટલું દબાણ થયું છે ? કેટલા માળની પરવાનગી હતી ? બધું જ નિયમાનુસાર છે કે કેમ ? તે સહિતના મુદ્દાની ચકાસણી કરશે. તેઓ શાળા સંચાલકોને આગામી ગ્રામસભામાં હાજર રહેવા પણ પત્ર પાઠવશે અને જો તેઓ હજાર નહીં રહે તો પંચાયતના સભ્યો સામે ચાલીને તેમને મળવા જઇ ઉગ્ર રજૂઆત કરશે.

ગ્રામ પંચાયતમાં થયેલા નવા ઠરાવના મુદ્દા


}ગૌચરની જમીન પર ગ્રામજનોનો હક છે. જો શાળાઓ બાળકોને લાભ ન આપતી હોય તો ગામની જમીન પરત કરવી.

}શૌક્ષણિક સંસ્થાની માપણી અને ફાળવેલ જમીનની માપણી કરવી

}પંચાયતના ભલામણથી આપેલ જમીનની માપણી કરવી

}સંસ્કાર વિદ્યાભવનને ફાળવણી કરતા વધુ જમીન વપરાય છે, માપણી કરી દબાણો દૂર કરવા.

}ટ્રસ્ટને ફાળવેલી જમીન ખાનગી કંપનીને શાળા સંચાલન માટે આપી હોય તો તેની તપાસ કરવી.

}નર્મદા કોલેજે દબાણ કરેલી જગ્યા ખાલી કરાવવી.

સંચાલકો વાતચીત કરવા તૈયાર નથી


ઝાડેશ્વર ગામમાં એડમિશનને લઇને હાલ તણાવ ભર્યો માહોલ છે. કેટલીક શાળાના સંચાલકો ગ્રામજનો સહિત કોઇને મળવા તૈયાર નથી. શરબી વિદ્યા પીડોમ ઇંગ્લિશ મિડીયમના આચાર્ય સાથે ટેલિફોનીક અને રૂબરૂ મળવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમણે આનાકાની કરી હતી. આચાર્ય ઓફિસનો નંબર આપવાની પણ ના પાડી હતી.

શાળાઓ બાળક પાછળ મહેનત કરતી નથી, એવરેજને ઉઠાડી લેવા માટે દબાણ કરે છે

સંસ્કાર વિદ્યાભારતી શાળાના શિક્ષકો મને ફોન કરી બાળકની ફરિયાદ કરે, મિસ બિહેવિયર છે, શિક્ષકોનું માનતો નથી. તેને સાયકોલોજીસ્ટને બતાવવાનું સુચન કર્યું, સાયકોલોજીસ્ટે નોર્મલ રિપોર્ટ આપ્યા છતાં તેને લેફ્ટ કરાવવા ફોર્સ કર્યો. શાળા એવરેજ સ્ટુડન્ટ પાછળ મહેનત નથી કરતી. > ભાવેશ લિમ્બાચીયા, સ્થાનિક

જીએનએફસીના કર્મચારીના બાળકોના ઇન્ટરવ્યુ થતા નથી તો અમારા કેમ?

શાળાઓ સાથે દુશ્મની નથી. શાળાઓ જો પંચાયતને લેખિતમાં બાહેધરી આપશે તો આંદોલનની જરૂર નથી. જીએનએફસીના કર્મીના બાળકોનું ઇન્ટવ્યુ થતું નથી, તો અન્ય શાળાઓમાં સ્થાનિકો માટે ઇન્ટરવ્યુ પ્રથા કેમ, ઇન્ટરવ્યુ જ બંધ કરવા જોઇએ. > રાકેશ પટેલ, સ્થાનિક

અન્ય સમાચારો પણ છે...