• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • કન્યાશાળાના શિક્ષકે ચાર છાત્રાઓ સાથે શારીરિક અડપલાં કર્યાની રાવ

કન્યાશાળાના શિક્ષકે ચાર છાત્રાઓ સાથે શારીરિક અડપલાં કર્યાની રાવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જંબુસરમાં આવેલી કન્યાશાળામાં અભ્યાસ કરતી ચાર વિદ્યાર્થીનીઓ સાથે શાળાના શિક્ષક દ્વારા જ શારીરિક અડપલાં કર્યાં હોવાની રાવ સાથે વાલીઓએ પ્રાથમિક શાળા ખાતે હોબાળો મચાવ્યો હતો. બનાવને પગલે વાલીઓએ જંબુસર પોલીસ મથકે શિક્ષક વિરૂદ્ધ પોસ્કોની કલમ હેઠળ ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, જંબુસરમાં આવેલી એક કન્યાશાળામાં ધો.4 માં અભ્યાસ કરતી 4 વિદ્યાર્થીનીઓને તેમના શિક્ષક શંકર પરમાર દ્વારા શારીરિક અડપલાં કરવામાં આવતાં હોઇ જે તે વિદ્યાર્થીનીઓએ તેમના પરિવારજનોને ઘટનાથી વાકેફ કર્યાં હતાં. જેના પગલે વાલીઓએ એકબીજાનો સંપર્ક કરતાં ચાર વિદ્યાર્થીનીઓ સાથે આવી ઘટના બની હોવાનું વાલીઓને જાણ થતાં વાલીઓમાં ભારે રોષ ફેલાયો હતો. જેના પગલે આજે વિદ્યાર્થીનીઓના પરિવારજનોએ શાળા ખાતે ધસી આવી હોબાળો મચાવ્યો હતો. વાલીઓએ શિક્ષક શંકર પરમારનો ઉઘાડો લેતાં વાતાવરણ ગરમાયું હતું. ઘટનાની જંબુસર પોલીસને જાણ થતાં પોલીસ સ્થળ પર આવી બન્ને વાલીઓનો રોષ ઠંડો પાડી મોટો હોબાળો થતો અટકાવ્યો હતો. ઘટનાને પગલે પોલીસે વાલીઓની ફરિયાદના આધારે શિક્ષક વિરૂદ્ધ પોસ્કોની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શિક્ષકને પકડવાની કવાયત હાથ ધરી છે
જંબુસરની એક પ્રાથમિક કન્યાશાળાના શિક્ષક શંકર પરમાર સાથે વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક અડપલાં કર્યાં હોવાની ફરિયાદ વાલીઓએ આપી છે. જેના સંદર્ભમાં આરોપી શિક્ષકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યાં છે. બી. વી. જાદવ, ઇન્સ્પેક્ટર, જંબુસર.

અન્ય સમાચારો પણ છે...