• Gujarati News
  • જૂના સરદાર બ્રિજને મરામત માટે બંધ કરાતાં ટ્રાફિકજામ

જૂના સરદાર બ્રિજને મરામત માટે બંધ કરાતાં ટ્રાફિકજામ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચનાજૂના સરદાર બ્રિજને સોમવારે રાત્રે 9 વાગ્યાથી મંગળવારે સવારે 10 વાગ્યા સુધી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવતાં નેશનલ હાઇવે પર બંને તરફ 3 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગી ગઇ હતી. જૂના સરદાર બ્રિજના જોઇન્ટ અને સ્પાનની રિપેરિંગની કામગીરી કરવાની હોવાથી બ્રિજને 13 કલાક સુધી બંધ રાખવાની ફરજ પડી હતી.

નર્મદા નદી પર આવેલાં જૂના સરદાર બ્રિજના રિપેરિંગની હાલ કામગીરી ચાલી રહી છે. બ્રિજના જોઇન્ટ અને સ્પાનને નુકસાન થયું હોવાથી તેના પરથી ભારદારી વાહનોની અવરજવર પ્રતિબંધિત કરી દેવામાં આવી છે. બ્રિજ પરથી માત્ર ફોર વ્હીલ, બસ અને ટ્રકને પસાર થવા દેવામાં આવે છે. ભારદારી વાહનોને નવા સરદાર બ્રિજ પર ડાયવર્ટ કરી દેવામાં આવ્યાં છે.

જૂના સરદાર બ્રિજને સોમવારે રાત્રે 9 વાગ્યાથી તમામ પ્રકારના વાહનો માટે બંધ કરવાનો નિર્ણય એનએચએઆઇ સત્તાધીશોએ લીધો હતો. વડોદરા તરફથી આવતાં ફોર વ્હીલ સહિતના તમામ વાહનોને સોમવારે રાતથી નવા બ્રિજ પર ડાયવર્ટ કરી દેવામાં આવ્યાં હતાં. નવા બ્રિજ પરથી 24 કલાકમાં 25 હજાર કરતાં વધારે વાહનો પસાર થાય છે ત્યારે તેમાં જૂના બ્રિજના વાહનોનું ભારણ વધી જતાં ટ્રાફિક જામ થયો હતો.

સુરત તરફથી આવતાં વાહનોની મુલદ ચોકડી સુધી જયારે વડોદરા તરફથી આવતાં વાહનોની આરટીઓ કચેરી સુધી કતાર લાગી હતી. બંને તરફ 3 કિમી સુધી ટ્રાફિક જામ થઇ જતાં વાહનચાલકોની હાલત કફોડી બની હતી.

ગોલ્ડન બ્રિજ પર પણ ચક્કાજામ

જૂનાસરદારબ્રિજને રિપેરિંગ માટે બંધ રખાતા વડોદરા તરફથી આવતાં ફોર વ્હીલ વાહનોને જૂના નેશનલ હાઇવે પર ડાયવર્ટ કરાયાં હતાં. ગોલ્ડન બ્રિજપર ફોર વ્હીલ વાહનોનું ભારણ વધી જતાં ટ્રાફિક જામ થઇ જવા પામ્યો હતો.

પોલીસ દ્વારા બાઇક પેટ્રોલિંગ કરાયું

નેશનલહાઇવેપર છાશવારે સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાના નિવારણ માટે પોલીસ દ્વારા બાઇક પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. ટ્રાફિકને પૂર્વવત કરવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા 4 બાઇક પર આરટીઓ કચેરીથી મુલદ ચોકડી સુધી પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

જૂના સરદાર બ્રિજને મરામત માટે બંધ કરવામાં આવતા અંકલેશ્વર અને ભરૂચ વચ્ચે 3 કિંમી સુધી ટ્રાફિક જામ થઇ ગયો હતો./તસવીર હર્ષદમિસ્ત્રી

^ જૂના સરદાર બ્રિજ પર અગત્યનું રિપેરિંગ કરવાનું હોવાથી સોમવારે રાતે 9 થી જૂના બ્રિજને બંધ કરી તમામ વાહનોને નવા બ્રિજ પર ડાયવર્ટ કરાયાં હતાં. હાઇવે પર ટ્રાફિક જામ થતો અટકાવવા ઠેર ઠેર પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યાં હતાં. મંગળવારે સવારથી બ્રિજને લાઇટ મોટર વ્હીકલ્સ તથા બપોર બાદ બસ અને ટ્રક માટે ખોલી દેવામાં આવતાં ટ્રાફિક પૂર્વવત થયો છે. >એન.કે.કામલીયા, પીએસઆઇ, જિલ્લા ટ્રાફિક

મંગળવારે બપોરથી

ટ્રાફિક પૂર્વવત થયો છે