ગોલ્ડન બ્રિજના દક્ષિણ છેડા પર 6 ગાબડાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ-અંકલેશ્વરનેજોડતા ઐતિહાસિક એવા બ્રિટિશ સ્થાપત્યનો વિરલ નમૂનો અને ભરૂચની ઓળખ બની ચૂકેલા ગોલ્ડન બ્રિજ પર દક્ષિણ છેડા પર પ્રવેશતા પ્રથમ બ્લોકમાં રોડની બંને બાજુ ગડરો બેસી જવાના કારણે 6 જેટલા ગાબડાં પડ્યા છે.25 જોઇન્ટ બ્લોકમાંથી પાંચથી વધુ જોઇન્ટ આરપાર રીતે છૂટા પડી જતાં ગોલ્ડન બ્રિજ ફરી એકવાર ક્ષતિગ્રસ્ત બન્યો છે. 2011-12 માં રંગરોગાન બાદ બ્રિજ પરત્વે સમારકામના અભાવે આગામી દિવસોમાં બ્રિજમાં મોટા ખાંગાં પડે તો નવાઈ નહીં.

ભરૂચ પાસે વહેતી નર્મદાના બે કાંઠાને જોડતા ગોલ્ડન બ્રિજ બ્રિટિશ ઈજનેરોના કૌશલ્ય 7 ડિસેમ્બર 1877માં બાંધકામ શરૂ થયા બાદ 6 મે 1881થી વાહન વ્યવહાર અને રેલ માર્ગ તરીકે ખુલ્લો મુકાયો હતો. આજે 138 વર્ષે પણ ગોલ્ડન બ્રિજ સેવા બજાવી રહ્યો છે ઐતિહાસિક ધરોહર સમાન ગોલ્ડન બ્રિજ પર અંકલેશ્વર તરફના દક્ષિણ છેડે પ્રથમ બ્લોકમાં 6 જેટલા ખાડા ગડરો બેસી જવાના કારણે પડી ગયા છે. જેને લઇ બ્રિજમાં પ્રવેશતાં ગાડી ખાડામાં ખાબકી જાય છે. 25 જોઇન્ટ બ્લોકથી જોડાયેલા ગોલ્ડન બ્રિજમાં 5થી વધુ જોઇન્ટ છૂટા પડતાં બ્રિજના જોઇન્ટ આરપાર જોઈ શકાય છે.અન્ય જોઇન્ટ ધીરે ધીરે છૂટા પડી રહ્યા છે. જ્યાં કોઈ પણ ગાડી પસાર થાય તો તે પટકવાની સાથે બ્રિજના માર્ગને વધુને વધુ ક્ષતિ પહોંચાડી રહ્યા છે. છેલ્લે 2011-12માં બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું હતું. જેમાં બ્રિજને સ્વર્ણ રંગે રંગવાની સાથે બ્રિજના જોઇન્ટ અને ગડરો પાછળ અંદાજિત ~2.36 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ 3 વર્ષના ટૂંકા ગાળામાં ફરી એકવાર બ્રિજના જોઇન્ટ અને ગડરોના કારણે ગાબડાં પાડવાની સમસ્યા ઊભી થઈ છે.

બે મહિના પૂર્વે ડામર પુર્યો હતો

ગોલ્ડનબ્રિજના અંકલેશ્વર તરફના છેડા પર છેલ્લા બે મહિના પૂર્વે પાડેલા નાના ગાબડાં ધીરે ધીરે મોટા થતાં અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનના જવાનો દ્વારા ગાબડાંના કારણે કોઈ નુકસાન પહોંચે તે માટે બે મહિના પૂર્વે ડામરનો બંદોબસ્ત કરી ગાબડાં પૂરવામાં આવ્યા હતા.

પાણી ભરાવાથી નુકસાનની ભીતિ

ભરૂચ-અંકલેશ્વરને જોડતા જૂના ને. હા. નં. 8 પર આવેલા ગોલ્ડન બ્રિજના લોખંડના સ્ટ્રક્ચરમાં વરસાદી પાણી હાલ કેટલાક બ્લોકોમાં છલોછલ જોવા મળી રહ્યું છે. તેનો નિકાલ અટકી જતાં તે ત્યાં સ્થાયી થયું છે. જે કાટ ચડવાની સાથે તેની સાથે ગડરોને પણ નુકસાન પહોંચાડી શકે છે.

ભાસ્કર અેક્સક્લૂિઝવ

ઐતિહાસિક એવા ગોલ્ડન બ્રિજના દક્ષિણ છેડા પર 6 જેટલા ગાબડા પડતા વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે એવી માગ ઉઠી છે.

બાબતે સર્વે કરી કામગીરી કરાશે

^ગોલ્ડન બ્રિજમાં પડેલા ગાબડાં પૂરી દેવામાં આવશે. જરૂરી સર્વે કરી ગોલ્ડન બ્રિજનું સમારકામ કરવામાં આવશે. બ્લોકમાં ભરાતા પાણીનો નિકાલ કરવામાં આવશે. >વાય. એમ.શાહ, કાર્યપાલકઇજનેર, માર્ગ અને મકાન વિભાગ

તંત્રની ઉદાસીનતાથી ચોમાસામાં જોઇન્ટ બ્લોકમાં ભરાઈ રહેતું પાણી ગડરો માટે નુકસાનકારક

સમસ્યા| પ્રથમ બ્લોકમાં રોડની બંને બાજુ ગડરો બેસી જવાના કારણે 6 જેટલા ગાબડાં પડ્યાં

અન્ય સમાચારો પણ છે...