બોરભાઠા ગ્રા. પંચાયતના ઉપ સરપંચની દાવેદારી રદ કરવા માંગ
અંકલેશ્વર તાલુકાના બોરભાઠા ગ્રામપંચાયતમાં ઉપ સરપંચની દાવેદારી રદ કરવાની માંગ કરવામાં આવી છે. ચૂંટણી બાદ 23મીએ સરપંચ તથા ઉપ સરપંચની વરણી વખતે ઉપ- સરપંચના ટેકેદારે કરેલી સહી ખોટી હોવાનો આક્ષેપ થઇ રહયો છે. કેટલાક ગ્રામજનોએ ઉપસરપંચની દાવેદારી રદ કરવા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
23 મીના રોજ અંકલેશ્વર તાલુકાના બોરભાઠા બેટ ગ્રામ પંચાયતની ડેપ્યુટી સરપંચની ચૂંટણી પ્રક્રીયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ઉપ સરપંચ ઉમેદવાર પ્રફુલ પટેલના ટેકો આપનાર રીનાબેન જયંતિભાઈ પટેલની સહી તેમના પતિ જયંતીભાઈ રામુભાઇ પટેલે કરી હોવાનો આક્ષેપ થયો છે. ધર્મેશ પટેલે આ બાબતે વિરોધ નોંધાવી કલેકટર સહિત સંબંધિત અધિકારીઓને રજૂઆત કરી હતી.
સહી વેરિફેકશનને લઇ મામલો અટવાયો હતો જેમાં રિનાબેન ટેકા દરખાસ્ત સહી અલગ અલગ આવી હતી. જે મુદ્દે આખરે સ્થળ ચૂંટણી અધિકારીએ નિર્ણય મુલતવી રાખ્યો હતો. સહીમાં ફેર હોવાથી ઉપ સરપંચ પ્રફુલભાઈ પટેલની દાવેદારી રદ કરવા માટે ધર્મેશ પટેલ તથા કેટલાક ગ્રામજનોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.