આમોદ નગર પાલિકા પ્રમુખ રાજીનામું આપી ભુર્ગભમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચજિલ્લાની આમોદ નગરપાલિકાના પ્રમુખ સલીમ રાણાએ પ્રમુખ તથા સભ્યપદેથી રાજીનામું આપી દેતાં મોવડીમંડળ દોડતું થઇ ગયું છે. તેમના પક્ષના કેટલાક સભ્યો તેમની છબી બગાડી રહયાં હોવાનો આક્ષેપ થઇ રહયાં છે. કોંગ્રેસના મોવડીમંડળને રાજીનામું મોકલ્યાં બાદ તેઓ ભુર્ગભમાં ચાલ્યાં ગયાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાની આમોદ નગરપાલિકાની ચૂંટણીમાં 24માંથી 15 બેઠકો સાથે કોંગ્રેસે બહુમતી મેળવી હતી. પાલિકા પ્રમુખ તરીકે સલીમ રાણાની વરણી કરવામાં આવી હતી. પાલિકામાં વહીવટ સંભાળ્યાં બાદ તેમણે ખોટા ખર્ચા પર નિયંત્રણ લાવી દીધાં હતાં. આમોદના નગરવાસીઓને પણ તેમનો વહીવટ ગમવા લાગતાં કોંગ્રેસના કેટલાક સભ્યો નારાજ થઇ ગયાં હતાં. સલીમ રાણાએ વાહનોના ઉપયોગ તથા ખર્ચના વાઉચર મુકવા માટે પણ નિયંત્રણો મુકી દીધાં હતાં. સત્તાધારી પક્ષના કેટલાંક મહત્વકાંક્ષી સભ્યોએ તેમની છબી ખરડવાના પ્રયાસો શરૂ કરી દીધાં હતાં.

છેલ્લા ઘણાં દિવસોથી આમોદ નગર પાલીકાના આંતરિક જૂથવાદથી કંટાળીને સલીમ રાણાએ નગર પાલિકા પ્રમુખ તથા સભ્યપદેથી રાજીનામું આપતો પત્ર મોવડીમંડળને મોકલી આપ્યો હતો. જૂથવાદનો ભડકો થતાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા આમોદ દોડી ગયાં હતાં અને આગેવાનો સાથે ચર્ચા કરી હતી. બીજી તરફ રાજીનામા બાદ સલીમ રાણા ભુર્ગભમાં ચાલ્યાં ગયાં છે અને તેમનો મોબાઇલ ફોન પણ બંધ આવી રહયો છે. તેઓ પાલિકા કચેરી ખાતે પણ હાજરી આપતાં નથી અને કોઇને પણ મળતાં નહિ હોવાની વિગતો સપાટી પર આવી છે.

24 સભ્યોની નગરપાલિકામાં કોંગ્રેસની બહુમતી છે

પક્ષના કેટલાક સભ્યો છબી બગાડી રહયાંનો આક્ષેપ

અન્ય સમાચારો પણ છે...