તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ગજાનંદ મંદિરમાં શંખ છીપલાં મિશ્રિત માટીમાંથી નિર્મિત શ્રીજીની મૂર્તિ આસ્થાનું કેન્દ્ર

ગજાનંદ મંદિરમાં શંખ-છીપલાં મિશ્રિત માટીમાંથી નિર્મિત શ્રીજીની મૂર્તિ આસ્થાનું કેન્દ્ર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહર્ષિયાજ્ઞવલ્ક્યજીએ સેંકડો વર્ષ સૂર્યનારાયણ(ભાનુ)ની ઉપાસના કરી સૂર્ય(ભાનુ)ને નીચે ઉતરવાની ફરજ પડી તે ભાનુક્ષેત્ર તરીકે ઓળખાતી તપોભૂમિ એટલે ભરૂચ જિલ્લાના જંબુસર નજીક આવેલું આજનું ભાણખેતર. ભાણખેતરમાં આવેલું મરાઠા-પેશ્વાકાળ સમયના અંદાજે 400 વર્ષ પુરાણા શ્રી સિદ્ધિ વિનાયક ગજાનંદ મંદિરમાં બિરાજમાન શંખ-છીપલાં મિશ્રિત માટીમાંથી નિર્મિત શ્રીજી-ગણેશજીની મૂર્તિ શ્રદ્ધાળુઓમાં ભારે આસ્થા ધરાવે છે. હાલ ગણેશોત્સવ દરમિયાન ભાનુક્ષેત્રના ગણેશ મંદિરે દર્શન હેતુ શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.

સાધુ મહાત્માઓ ગણેશજીના ઉપાસકો હોઇ તેમણે મહર્ષિ યાજ્ઞવલ્ક્યજીની તપોભૂમિ પર ગણેશજીની મૂર્તિ સ્થાપવાનો સંકલ્પ કરી જ્યાં પડાવ નાંખ્યો હતો ત્યાં મૂર્તિ બનાવવાનો પ્રારંભ કર્યો હતો. મૂર્તિ માત્ર માટીમાંથી બનાવે તો કાળક્રમે ખંડિત થઇ જાય તેમ હતી. જેથી સાધુસંતોએ જમીનમાં ખોદકામ કરતાં જમીનના પેટાળમાંથી શંખ-છીપલાં સાથેની રાખોડી રંગની માટી મળી આવી હતી. માટી સાથે પાણીનું મિશ્રણ કરવાથી માટી સૂકાતાં પથ્થર બની જતી હોઇ સાધુસંતોએ તેમાંથી બનાવેલી ગણેશજીની મૂર્તિની વેદોક્ત મંત્રોચ્ચાર સાથે સ્થાપના કરી મંદિર બનાવ્યું હતું. સાધુસંતો દ્વારા સૈકાઓ પહેલાં સ્થપાયેલી શ્રીજીની મૂર્તિ 9 થી 10 ફૂટ ઊંચી અને 7 ફૂટ પહોળી છે. શંકર સ્વરૂપ-ત્રિલોચનધારી અને જમણી સૂંઢવાળા ગણેશજીના મસ્તક ઉપર શેષનાગ બિરાજમાન છે.

2001ના ધરતીકંપ વખતે મૂર્તિ સલામત રહી હતી

^પેટાળની માટીમાંથી બનેલી ત્રિલોચનધારી-જમણી સૂંઢવાળા ગણેશજીની મૂર્તિ ચમત્કારિક છે. 2001 ના ધરતીકંપ વખતે મંદિરની લોખંડની ગ્રિલને નુકસાન થયું હતું પરંતુ શંખ-છીપલાં મિશ્રિત માટીમાંથી બનેલી ગણેશજીની મૂર્તિ સલામત રહી હતી. ગણેશ મંદિરની નજીકમાં વૈષ્ણવ સંપ્રદાયની હરિરાય મહાપ્રભુજીની બેઠક તથા થોડે દૂર પૂ.વલ્લભાચાર્ય મહાપ્રભુજીની બેઠક આવેલી છે. > પ્રો.બી.આર.ત્રિવેદી,ઇતિહાસસંશોધનકાર-જંબુસર

જંબુસર નજીક ભાણખેતરમાં આવેલું 400 વર્ષ પુરાણું શ્રી સિદ્ધિ વિનાયક ગજાનંદ મંદિર

ગજાનંદ મંદિરમાં બિરાજમાન શંખ-છીપલાં મિશ્રિત માટીમાંથી નિર્મિત શ્રીજી-ગણેશજીની મૂર્તિ

અન્ય સમાચારો પણ છે...