• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચના બુટલેગરે દારૂ સંતાડવા કબાટ નીચે જ મોટુ ભોંયરૂ બનાવ્યું

ભરૂચના બુટલેગરે દારૂ સંતાડવા કબાટ નીચે જ મોટુ ભોંયરૂ બનાવ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભરૂચની મિપ્કો ચોકડી પાસેની જલધરા સોસાયટીમાં રહેતાં એક બુટલેગરને ત્યાં એલસીબીએ રેડ પાડી 95 હજારનો વિદેશીદારૂ ઝડપી પાડ્યો હતો. બુટલેગરે તેના ઘરમાં કબાટ નીચે જ દારૂ સંતાડવા માટે ભોંયરૂ બનાવ્યું હોવાનું જણાતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે બુટલેગરના રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચના એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ એલસીબી સહિત તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ દારૂબંધીના કડક અમલીકરણમાં જોતરાઇ ગયાં છે. દરમિયાન ભરૂચ એલસીબીના ઇન્સ્પેક્ટર સુનિલ તરડેને ચોક્કસ બાતમી મળી હતી કે, મિપ્કો ચોકડી પાસે આવેલી જલધારા સોસાયટી ખાતે રહેતો ઉમેશ ઉર્ફે કૃપેશ શંકર કહાર વિદેશીદારૂનો વેપલો કરે છે અને તેણે દારૂ સંતાડવા માટે ઘરમાં ભોંયરૂ બનાવ્યું છે. જેના પગલે તેમણે તેમની ટીમ સાથે ઉમેશ ઉર્ફે કૃપેશના ઘરે દરોડો પાડ્યો હતો. પોલીસે તપાસ કરતાં તેના બેડરૂમના કબાટના નીચેના ભાગે તેણે ભોંયરૂ બનાવ્યું હોવાનું જણાયું હતું. પોલીસે ભોંયરામાં ઉતરતાં અંદર બેડરૂમ જેટલાં મોટા ભોંયરામાં અલગ અલગ બ્રાન્ડનો વિદેશીદારૂ સંગ્રહ કરેલો મળી આવ્યો હતો. ઉપરાંત તેની હ્યુન્ડાઇ ગેટ્સ કારમાંથી પણ વિદેશીદારૂની બોટલો મળી આવી હતી. પોલીસે કુલ 95 હજારની મત્તાનો વિદેશીદારૂનો જથ્થો, દારૂના વેચાણના રોકડા રૂપિયા 4100 તેમજ એક મોબાઇલ તથા કાર મળી કુલ 2.98 લાખનો મુદ્દામાલ એલસીબીએ જપ્ત કર્યો હતો. બનાવ સંદર્ભે સી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી આરોપીના રિમાન્ડ મેળવવાની કવાયત પોલીસે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...