Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Bharuch » આમોદમાં જિલ્લા પ્રમુખના સત્કાર સમારોહના આમંત્રણમાં પૂર્વ શહેર-પાલિકા પ્રમુખ બાકાત

આમોદમાં જિલ્લા પ્રમુખના સત્કાર સમારોહના આમંત્રણમાં પૂર્વ શહેર-પાલિકા પ્રમુખ બાકાત

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:11 AM

ચૂંટણી પહેલા કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ પત્રિકામાં નામ ન હોવાથી બંનેએ કાર્યક્રમ જવાનું ટાળ્યું...

  • આમોદમાં જિલ્લા પ્રમુખના સત્કાર સમારોહના આમંત્રણમાં પૂર્વ શહેર-પાલિકા પ્રમુખ બાકાત

    આમોદ તાલુકા કોંગ્રેસમાં નવા પ્રમુખની વરણી બાદ નગરપાલિકાના 15 સભ્યોના રાજીનામાના વિવાદનો અંત આવતો લાગતો નથી. જિલ્લા પ્રમુખના સત્કાર સમારંભની પત્રિકામાંથી નગરપાલિકા પ્રમુખ અને પુર્વ શહેર પ્રમુખનું નામ નહિ હોવાથી ગુરૂવારે યોજાયેલા કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહયાં ન હતાં. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ચાલી રહેલો વિખવાદ હવે ઉગ્ર બની રહયો છે.

    ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે પરિમલસિંહ રણાની નિમણૂંક થયાં બાદ આમોદ શહેર તથા તાલુકા કોંગ્રેસના કાર્યકરોને વિશ્વાસમાં લીધા વિના શહેર કોંગ્રેસ તેમજ તાલુકા કોંગ્રેસ પ્રમુખની નિમણૂંક કરી હોવાના આક્ષેપ સાથે કાર્યકરોમાં ભારે રોષ ફેલાયો હતો. જેના ભાગરૂપે આમોદ નગરપાલિકાના 14 કોંગ્રેસી સભ્યોએ પક્ષમાંથી રાજીનામા આપ્યાં હતાં. તે વિવાદ હજી શમ્યો નથી. ત્યાં વધુ એક વિવાદ આજે વકર્યો હતો.

    આમોદ ખાતે આજે ગુરૂવારે જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા તેમજ આમોદ તાલુકા પ્રમુખ ઉસ્માન મિંડીના સત્કાર સમારોહનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમ અંતર્ગત છાપવામાં આવેલી આમંત્રણ પત્રિકામાં આમોદ નગરપાલિકાના પ્રમુખ સાજીદઅલી રાણા તેમજ પુર્વ શહેર પ્રમુખ મહેન્દ્ર દેસાઇના નામનો ઉલ્લેખ નહીં કરાતાં તેમના ટેકેદારોમાં રોષ ફેલાયો છે. જોકે જંબુસર અને કરજણના ધારાસભ્યો, ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ, ભરૂચ જિલ્લા પ્રભારી, આમોદ તાલુકા કોંગ્રેસ સમિતીના માજી પ્રમુખ તેમજ જિલ્લા પંચાયત સભ્ય તનુજા દાયમાના નામોનો ઉલ્લેખ થયો છે. આગામી લોકસભામાં પક્ષને મજબુત કરવા માટે કોંગ્રેસ મથામણ કરી રહી છે. ત્યારે કોંગ્રેસના આંતરિક વિખવાદને કારણે તેની અસર લોકસભા પર પડે તેવા એંધાણ વર્તાઇ રહ્યાં છે.

    જિલ્લા પ્રમુખ કોંગ્રેસને તોડે છે

    આમોદ ખાતેના સત્કાર સમારોહમાં જિલ્લાની એકમાત્ર એવી કોંગ્રેસ શાસિત આમોદ નગરપાલિકાના પ્રમુખની અવગણના કરાઇ છે. કોંગ્રેસને નુકશાનકારક જિલ્લા પ્રમુખના નિર્ણયના પગલે આમોદ તાલુકા પંચાયત અને નગરપાલિકાના સભ્યોએ રાજીનામા આપ્યાં હોવા છતાં ડેમેજ કન્ટ્રોલ કરવાને બદલે જનાધાર ધરાવતાં આગેવાનોની બાદબાકી કરી કોંગ્રેસને તોડવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે. મહેન્દ્ર દેસાઇ, પૂર્વ પ્રમુખ, શહેર કોંગ્રેસ

    વિવાદને અવકાશ નથી સૌ સાથે છીએ

    સત્કાર સમારોહની પત્રિકામાં નામ નહીં છપાયાં હોવાના મામલે કોઇ વિવાદ નથી. તમામ કાર્યકરો સાથે જ છીએ. કેટલાંક સભ્યો અાગેવાનો વ્યક્તિગત કારણસોર આવી શક્યા ન હતાં. પરંતુ તમામ આગેવાનો-કાર્યકરો કોંગ્રેસ પરિવારને મજબુત કરવા માટે સંગઠિત જ છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયાં હતાં. વિવાદને કોઇ અવકાશ નથી. પરિમલસિંહ રણા, જિલ્લા પ્રમુખ, કોંગ્રેસ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending