Home » Daxin Gujarat » Latest News » Bharuch » અંકલેશ્વરના અમરતપુરા ગામે ધમધમતી દેશી દારૂની પાંચ ભઠ્ઠીનો નાશ કરાયો

અંકલેશ્વરના અમરતપુરા ગામે ધમધમતી દેશી દારૂની પાંચ ભઠ્ઠીનો નાશ કરાયો

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:10 AM

ભરૂચ જિ.માં 10 દિવસમાં 494 બૂટલેગરો ઝબ્બે, 20.30 લાખનો મુદ્દામાલ જપ્ત : વિવિધ સ્થળોઅે દરોડા પાડી પ્રોહી.ના 668 કેસો કરાયા ...

  • અંકલેશ્વરના અમરતપુરા ગામે ધમધમતી દેશી દારૂની પાંચ ભઠ્ઠીનો નાશ કરાયો

    ભરૂચ જિલ્લામાં 10 દિવસથી ચાલતી પ્રોહીબીશન ડ્રાઇવમાં 494 બુટલેગરોને ઝડપી પાડી તેમની પાસેથી 20.30 લાખનો મુદામાલ કબજે લેવામાં આવ્યો છે. અંકલેશ્વર તાલુકાના અમરતપુરા ગામે ધમધમતી દેશી દારૂની પાંચ ભઠ્ઠીઓ તોડી પાડવામાં આવી છે. વિવિધ સ્થળોએ પાડેલા દરોડામાં પ્રોહીબીશનના 668 જેટલા કેસ કરવામાં આવ્યાં છે. પોલીસની કડક કાર્યવાહીને પગલે બુટલેગરોમાં ફફડાટ જોવા મળી રહયો છે.

    ભરૂચ જિલ્લાના નવા એસપી તરીકે રાજેન્દ્રસિંહ ચુડાસમાએ ચાર્જ સંભાળતાની સાથે બુટલેગરો સામે તવાઇ બોલાવવામાં આવી રહી છે. જિલ્લાના તમામ 23 પોલીસ મથકોને આવરી લઇ 31 ઓગષ્ટથી પ્રોહિબીશન ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.

    10 દિવસથી ચાલતી ડ્રાઇવમાં અત્યાર સુધીમાં 668 જેટલા પ્રોહીબીશનના કેસ કરી 494 બુટલેગરોને ઝડપી લેવાયા છે. તેમની પાસેથી દારૂ સહિત કુલ 20.30 લાખનો મુદામાલ કબજે લેવાયો છે. પોલીસે વિદેશી દારૂની 4,430 બોટલ, 3,108 લીટર દેશી દારૂ, 39,310 લીટર વોશ, 15,025 કીલો અખાદ્ય ગોળ, પાંચ વાહન તથા 14 હજાર રૂપિયા રોકડા કબજે લેવાયાં છે. આ ઉપરાંત જુગારના પણ 26 કેસમાં 107 આરોપીને ઝડપી લેવાયાં છે.

    અંકલેશ્વર તાલુકાના અમરતપુરા ગામે અમરાવતી ખાડીના કિનારે દેશી દારૂ ગાળતી ભઠ્ઠીઓ પણ દરોડા પાડવામાં આવ્યાં હતાં. કિશન વસાવા, નરેશ વસાવા, મહેશ વસાવા, રાજુ વસાવા અને અશોક વસાવાની ભઠ્ઠીઓ તોડી પાડી દેશી દારૂ, વોશ સહિતનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. લોકલ ક્રાઇમ બ્રાંચ ઉપરાંત તમામ 23 પોલીસ સ્ટેશનની ટીમ બનાવી દેશી અને વિદેશી દારૂનું વેચાણ કરતાં બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

    આગામી દિવસોમાં પણ ડ્રાઇવ ચાલુ રહેશે

    જિલ્લામાં દારૂ અને જુગારની બદી અટકાવવા માટે તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને આદેશ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ચાલેલી પ્રોહીબીશન ડ્રાઇવમાં કુલ 668 કેસ કરી 494 બુટલેગરોને ઝડપી લેવામાં આવ્યાં છે. આગામી દિવસોમાં પણ પોલીસની ડ્રાઇવ ચાલુ જ રહેશે અને સરકારની ગુના નાબુદી અંગેની પોલીસીનો કડક અમલ કરવામાં આવશે. રાજેન્દ્રસિંહ ચુડાસમા, એસપી, ભરૂચ

    ભરૂચ શહેરમાં 10 દિવસથી ચાલી રહેલી પ્રોહીબીશન ડ્રાઇવ દરમિયાન દેશી દારૂની ભઠ્ઠીઓનો નાશ કરી રહેલા પોલીસ કર્મચારીઓ તસવીરમાં જોઇ શકાય છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ